14 September, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે.
એશિયા કપ અંતર્ગત આજે સાંજે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની છે. જોકે એને લઈને ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષ અને પોતાને હિન્દુત્વવાદી કહેવડાવતી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે આ સંદર્ભે એક પત્રકાર-પરિષદ યોજી હતી અને ભારતીય જનતા પાર્ટી (BJP) અને મોદીના બેમોઢાળા વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘પાકિસ્તાને કરેલા આતંકવાદી હુમલામાં અહીંના લોકોના જીવ ગયા છે ત્યારે તમે હવે તેમની સાથે ક્રિકેટ મૅચ રમી રહ્યા છો એ યોગ્ય નથી. શું આ જ છે તમારો દેશપ્રેમ? BJP વેપાર માટે, પૈસા માટે દેશને વેચવા કાઢી રહી છે. એને દેશની કશી પડી નથી.’ પત્રકાર-પરિષદમાં પત્રકારોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ BJP અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂન ઔર પાની એકસાથ નહીં બહેગા એમ કહેતા હતા. હવે ખૂન ઔર ક્રિકેટ એકસાથ કૈસે બહેગા એ કહેવું જોઈએ. BJPએ દેશભક્તિનું બજાર માંડી દીધું છે. જય શાહના હાથમાં ક્રિકેટની નાડીઓ છે. રવિવારની મૅચમાંથી બહુબધી કમાણી થવાની છે. દેશભક્તિ લોહીમાં હોવી જોઈએ. એવું સાંભળવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાનની મૅચની ટિકિટોનું જોઈએ એવું વેચાણ થયું નથી. એથી લોકોએ નક્કી કરવાનું છે કે એ મૅચ જોવી કે નહીં. જોકે વડા પ્રધાન હજી પણ એ મૅચનો બહિષ્કાર કરીને સારો સંદેશ મોકલી શકે છે.’
હર ઘર સે સિંદૂર અભિયાન
પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલાની આ મૅચ વખતે યાદ અપાવવા રાજ્યની મહિલાઓ આજે નરેન્દ્ર મોદીને હર ઘર સે સિંદૂર અભિયાન હેઠળ સિંદૂર જમા કરીને મોકલશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આજના આંદોલનનું શીર્ષક ‘મારું કંકુ મારો દેશ’ હશે. ક્રિકેટમાંની વિકેટ અને શહીદ થવું એ બન્ને વચ્ચેનો ફરક તેઓ નથી કરી શકતા. વિકેટ જાય તો આગળની મૅચ તેઓ રમી શકે છે, પણ શહીદ થાય તો તેમનું જીવન ઉધ્વસ્ત થઈ જાય છે.’
હવે જ આટલો વિરોધ કેમ? : નીતેશ રાણે
ભારત–પાકિસ્તાન વચ્ચેની મૅચનો વિરોધ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેને સંભળાવતાં BJPના નેતા અને રાજ્યના મત્સ્યોદ્યોગપ્રધાન નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘મારે ઉદ્ધવ ખાનને પૂછવું છે કે તમે વિજયી બન્યા ત્યારે તમારી વિજયયાત્રામાં પાકિસ્તાનતરફી નારાબાજી થઈ, લીલો ગુલાલ ઉડાડવામાં આવ્યો, સર તન સે જુદાના નારા લાગ્યા ત્યારે પાકિસ્તાન બદલ ગુસ્સો ન આવ્યો? એ નારાબાજી કરનારાનાં રાજીનામાં લીધાં? જો ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહા વિકાસ આઘાડીની સરકાર પાંચ વર્ષ ટકી હોત તો આગલો મુખ્ય પ્રધાન મુસ્લિમ હોત. માલવણીમાં અસલમ શેખે મિની પાકિસ્તાન ઊભું કરી દીધું છે. એ અસલમ શેખને ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનો વાયદો કર્યો હતો. તેમનો ભત્રીજો જે આજે વિધાનસભ્ય બનીને બેઠો છે તે સચિન વાઝે સાથે બુકી હતો અને હવે આ લોકો ભારત–પાકિસ્તાનની મૅચ બદલ બોલે છે. જિહાદી હૃદયસમ્રાટ પાસેથી રાષ્ટ્રભક્તિ શીખવાની અમને અમારી જરૂર નથી. ઑપરેશન સિંદૂર વખતે તે લંડનમાં બેઠો હતો. તે કયા બારમાં બેઠો હતો એ પણ કહું કે? એ વખતે તમને હિન્દુત્વ યાદ ન આવ્યું? એ વખતે તો ઠંડી હવા ખાઈ રહ્યા હતા. આદિત્ય ઠાકરે પોતે બુરખામાં છુપાઈને આ જ મૅચ જોશે, અવાજ પણ કરશે અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કે અમિત શાહે તમારી પાસેથી દેશભક્તિનું સર્ટિફિકેટ મેળવવાની કોઈ જરૂર નથી.’