મુખ્ય પ્રધાનનો બંગલો છોડ્યો છે, સત્તા નહીં : ઉદ્ધવ ઠાકરે

25 June, 2022 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિલ્લાધ્યક્ષો અને સંપર્ક-પ્રમુખો સાથેના ઑનલાઇન સંવાદમાં બળવાખોરોને શિવસેના અને ઠાકરે પરિવાર વિના ટકી રહેવાનો પડકાર ફેંક્યો

ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોએ બળવો પોકાર્યા બાદ જનતાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે શિવસેનાનો એક પણ નેતા કહેશે કે હું સત્તાને લાયક નથી તો હું મુખ્ય પ્રધાનપદ સહિત પક્ષમાંથી રાજીનામું આપી દઈશ. ઉદ્ધવ ઠાકરેએ બે જ દિવસમાં પોતાના નિવેદનને ફેરવી તોળતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો છોડ્યો છે, સત્તા નહીં. બળવો કરનારાઓ શિવસેના અને ઠાકરે પરિવાર વગર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તો હું માનું.’
એકનાથ શિંદે સહિતના ૪૦ જેટલા શિવસેનાના વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાભવનમાં એકઠા થયેલા રાજ્યભરના જિલ્લાધ્યક્ષો અને સંપર્ક-પ્રમુખો સાથે ઑનલાઇન સંવાદ સાધ્યો હતો. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો છોડ્યો છે, પરંતુ સત્તા કે મુખ્ય પ્રધાનપદ હજી સુધી છોડ્યું નથી. શિવસેનામાં પહેલાં પણ બળવા થયા હોવા છતાં પક્ષ બે વખત સત્તામાં આવ્યો છે.’
મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘છેલ્લાં અઢી વર્ષમાં કોવિડ મહામારીની સાથે મારી તબિયત ખરાબ હતી એનો વિરોધીઓએ લાભ લીધો છે. આપણી લડત ચાલુ રહેશે. વર્ષા બંગલો છોડ્યો હોવા છતાં મહાવિકાસ આઘાડી સરકારમાં હું મુખ્ય પ્રધાનપદે કાયમ છું. બળવો કરનારાઓ જો એમ માનતા હોય કે તેઓ શિવસેના અને ઠાકરે પરિવારના નામ વિના ટકી શકશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.’
ઉલ્લેખનીય છે કે ૨૧ જૂને એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ એનસીપી અને કૉન્ગ્રેસ પક્ષ સાથેના ગઠબંધન સામે વિરોધ વ્યક્ત કરીને બળવો પોકાર્યો હતો. આ વાતને આજે પાંચ દિવસ થયા છે ત્યારે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ સરકાર બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે; જ્યારે એકનાથ શિંદે રાજ્યમાં સરકાર બનાવવા અને શિવસેના ઠાકરે પરિવાર પાસેથી આંચકીને પોતાને હસ્તક કરવા માટે મથી રહ્યા છે.  

Mumbai mumbai news uddhav thackeray maharashtra