અત્યારે ઑપરેશન ટાઇગર નહીં, ઑપરેશન લોટસ ચાલી રહ્યું છે

20 June, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પર લગાવવામાં આવેલા આરોપો તમે સાચા માનતા હો તો હું આ ક્ષણે અધ્યક્ષપદ છોડી દેવા તૈયાર છું એવી ઑફર કાર્યકરો સમક્ષ કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું...

ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં ઉદ્ધવ ઠાકરે (તસવીર : સૈયદ સમીર અબેદી)

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો પક્ષ છોડીને જતા રહ્યા એ વાતનો આક્રોશ અને દુ:ખ શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સ્પીચમાં સ્પષ્ટ થયાં હતાં. શિવસેનાના ૬૦મા સ્થાપનાદિને ષણ્મુખાનંદ હૉલમાં સભાને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને ત્યાં સુધી કહ્યું હતું કે ‘જો તમે મારા નેતૃત્વ પર લગાવવામાં આવેલા આરોપો સાચા માનતા હો તો હું આ ક્ષણે શિવસેનાનું અધ્યક્ષપદ છોડી દેવા તૈયાર છું. મારા સ્થાને એક સામાન્ય શિવસૈનિકને આ પદ પર નિયુક્ત કરો. મને નેતૃત્વની કોઈ લાલસા નથી. હું ગમે ત્યારે શિવસેનાના વડાનું પદ છોડવા તૈયાર છું.’

સ્થાપનાદિનના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ બીજું શું-શું કહ્યું...

શિવસેના (UBT)ના સંસદસભ્યોએ ગદ્દારી કરી એ બદલ હું માફી માગું છું. લોકસભાની ચૂંટણી દરમ્યાન મેં ધારાશિવમાં એક રૅલી યોજી હતી. ભાષણ પછી એક ખેડૂત મારી પાસે એક નાની થેલી લઈને આવ્યો. તેણે સંસદસભ્યને ચૂંટવામાં મદદ કરવા માટે તેણે બચાવેલા પૈસા દાન તરીકે આપ્યા. આવા ખેડૂતો અને સામાન્ય નાગરિકોના સમર્થનને કારણે અમે એ ચૂંટણી જીતી ગયા. તેથી જો અહીંના સંસદસભ્ય હવે બીજા પક્ષમાં જઈ રહ્યા છે તો તેઓ આ પાપનું પ્રાયશ્ચિત્ત ક્યાંથી કરશે?

ઘણા લોકો દાવો કરે છે કે શિવસેના (UBT) કૉન્ગ્રેસમાં ભળી જશે એ ડરથી તેમણે પાર્ટી છોડી દીધી હતી. અમે ૩૦ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રહ્યા, પણ એમાં ભળ્યા નહીં તો કૉન્ગ્રેસમાં હવે શું કામ ભળીશું?

૨૦૨૪ની ‘મોદી લહેર’ વચ્ચે પણ મતદારોએ મારી અને બાળાસાહેબ ઠાકરેની વિચારધારા પર વિશ્વાસ મૂક્યો, નવ સંસદસભ્યોને ચૂંટ્યા.

લોકો એવું કહે છે કે હું અને આદિત્ય ચૂંટણીપ્રચારની રૅલીમાં નહોતા દેખાયા. જો અમે નહોતા દેખાયા તો ‘ગધેડા’ તું જીત્યો કેવી રીતે?

અત્યારે ઑપરેશન ટાઇગર નહીં, ઑપરેશન લોટસ ચાલી રહ્યું છે.

દેશની રાજનીતિની વર્તમાન સ્થિતિ લોકશાહીમાં વિશ્વાસને ખતમ કરી રહી છે. BJP એકપક્ષીય, ચૂંટણી વિનાની લોકશાહી તરફ આગળ વધી રહી છે. 

શિવસેના (UBT)ના ૬ બળવાખોર સંસદસભ્યો જયપુરની હોટેલમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો દિલ્હીમાં બેઠક કરવાના હોવાની વહેતી થયેલી અટકળો વચ્ચે તેમણે મંગળવારે મોડી રાત્રે જયપુરની એક હોટેલમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે ગુપ્ત બેઠક કરી હોવાનું સામે આવ્યું છે. આ બળવાખોર સંસદસભ્યો દેશનાં અલગ-અલગ શહેરોમાંથી અલગ-અલગ ફ્લાઇટ દ્વારા રાજધાની દિલ્હી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એકઠા થઈને જયપુર ગયા હતા અને સ્પીકરને હસ્તાક્ષર કરેલો પત્ર સોંપીને રવાના થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મીડિયાની નજરોથી બચવા માટે આ સમગ્ર હિલચાલને અત્યંત લો-પ્રોફાઇલ રાખવામાં આવી હતી અને આ મામલે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.

shiv sena uddhav thackeray maharashtra political crisis political news maharashtra news maharashtra mumbai mumbai news