04 August, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે પક્ષને વધુ સંગઠિત બનાવવા માટે થાણે જિલ્લાના શિવસેના (UBT)ની બેઠક બોલાવી હતી. આ બેઠક દરમ્યાન નવા પદાધિકારીઓની નિયુક્તિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે એ દરમ્યાન આ સંદર્ભે મતભેદ ઊભો થતાં ઉદ્ધવ ઠાકરેની સામે જ શિવસેનાના બે નેતાઓ એકબીજા સાથે બાખડ્યા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પોતાની સામે જ પક્ષના નેતાઓને આ રીતે ઝઘડતા જોઈને ઉદ્ધવ ઠાકરેનો પારો ચડ્યો હતો અને તેમણે ત્યાં હાજર બધા જ નેતાઓને અને પદાધિકારીઓને ખૂબ સંભળાવ્યું હતું. કલ્યાણમાં અમુક પદાધિકારીઓને તેમના પદેથી કાઢવામાં આવ્યા એ મુદ્દે આ બાબત થઈ હોવાનું કહેવાય છે.
આ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તથા સંસદસભ્ય શ્રીકાંત શિંદે વિરુદ્ધ કલ્યાણ બેઠક પરથી ચૂંટણી લડનારાં શિવસેના (UBT)નાં વૈશાલી દરેકર રાણેએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમણે કલ્યાણ લોકસભા જિલ્લા મહિલા સંઘટકના પદેથી રાજીનામું આપ્યું છે. વ્યક્તિગત કારણોસર તે પોતાના પદને ન્યાય અને સમય આપી ન શકતાં હોવાનું કારણ આપીને તેમણે રાજીનામું આપ્યું છે.