✕

મર્ડરના આરોપીનું મર્ડર

16 October, 2026 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્હાસનગર સ્ટેશનની બહાર બુધવારે સવારે ૫૪ વર્ષના એક માણસની ચૉપરના ઘા ઝીંક્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉલ્હાસનગર સ્ટેશનની બહાર બુધવારે સવારે ૫૪ વર્ષના એક માણસની ચૉપરના ઘા ઝીંક્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં મૃત્યુ પામેલા સામાજિક કાર્યકર હરેશ ગજવાની પર પણ મર્ડરનો આરોપ છે. વિઠ્ઠલવાડી પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે ‘સૌપ્રથમ અજાણ્યા માણસોએ હરેશ ગજવાની પર ચૉપર વડે હુમલો કર્યો હતો અને ત્યાર પછી તેના પર બે ગોળી ચલાવી હતી. જોકે હુમલાખોરો એક ગોળી ચૂકી ગયા હતા અને બીજી ગોળી હરેશ ગજવાનીને વાગી હતી.’ 

આ ઘટના બાદ હરેશ ગજવાનીને સ્થાનિકો અને પોલીસ દ્વારા સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યા અનુસાર હરેશ ગજવાનીએ ગેરકાયદે ગુટકાના વેચાણ, સટ્ટાબાજીના અડ્ડાઓ તથા ઑનલાઇન સટ્ટા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી જેને પગલે તેને ધમકીઓ પણ મળી હતી. 

પોલીસે જણાવ્યા અનુસાર હરેશ ગજવાની ગુનાહિત ભૂતકાળ ધરાવતો હતો. ૨૦૨૧માં તેની વિરુદ્ધ મર્ડરનો કેસ નોંધવામાં આવ્યો હતો અને હાલ તે જામીન પર બહાર હતો. આ મર્ડરકેસ સાથે પણ હાલની ઘટનાના તાર જોડાયેલા હોઈ શકે. પોલીસ દ્વારા બધાં જ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ગુરુવારે ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો પણ હતા. 

પોલીસ પણ ગેરકાયદે ધંધો કરનારાઓ સાથે મળેલી હોવાની કરી હતી પોસ્ટ 
હાલમાં જ હરેશ ગજવાનીએ તેના વિસ્તારમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં અમુક પોલીસ-અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું જણાવીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પોલીસ-અધિકારીઓ, ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે સહિત અનેકને ટૅગ કર્યા હતા.

mumbai news mumbai ulhasnagar maharashtra news maharashtra mumbai police