07 September, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલા ગિલબર્ટ હિલ નજીક ગાંવદેવી ડુંગર પરથી ઝપલાવી કચ્છના ગાંધીધામ ખાતે રહેતી ૪૫ વર્ષની ગૃહિણીએ શનિવારે સાંજે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ડી.એન. નગર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીટા મોનાણી પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે દેવદર્શનાર્થે આવ્યાં હતાં. સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શન કર્યા બાદ પરિવારજનો સાથે તેઓ ગાંવદેવી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યાં હતાં જ્યાંથી અચાનક ડુંગર પરથી નીચે ઝંપલાવી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસ મુજબ તેઓ ઓરલ કૅન્સરથી પીડાઈ રહ્યાં હતાં. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડી.એન. નગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા તેના ભત્રીજા સાથે ગિલબર્ટ હિલ નજીક ગાંવદેવી ડુંગર આવ્યાં હતાં ત્યાં દર્શન બાદ ભત્રીજા સાથે મંદિરમાં બેઠાં હતાં ત્યારે રીટાબહેને હું ડુંગરની નીચે શું છે અે જોઈને આવું છું અેમ કહીને મંદિરની સામેના ભાગે આવેલા આશરે ૫૦ ફુટ ઊંચા પહાડ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. અચાનક બનેલી આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ અમારો સંપર્ક કર્યો હતો. અમારી ટીમે સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે કૂપર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ તેમને દાખલ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં આ અકસ્માત હોવાની શંકા સેવાઈ રહી હતી, પરંતુ તપાસ દરમ્યાન સત્ય સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મરનાર મહિલા મોઢાના કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાનું બહાર આવ્યું છે. આ બીમારીના અસહ્ય ત્રાસ અને માનસિક તનાવને કારણે તેણે આ ખૌફનાક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી એક સુસાઇડ-નોટ પણ મળી આવી છે જેના પરથી જાણવા મળ્યું છે કે આ પહેલાં પણ તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ પણ કોઈના પર શંકા કે ફરિયાદ વ્યક્ત કરી નથી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’