મામા-મામીએ માત્ર ૯૦,૦૦૦ રૂપિયામાં પાંચ વર્ષની ભાણીને કિડનૅપ કરીને વેચી મારી

27 November, 2025 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાકોલા પોલીસે બે જ દિવસમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક તોડી પાડીને પાંચની ધરપકડ કરી, બાળકીને બચાવીને પરિવારને સોંપી દેવાઈ

પોલીસે પકડી પાડેલા આરોપીઓ

ગયા શનિવારે પાંચ વર્ષની બાળકીને કિડનૅપ કરવામાં આવી હતી. આ ઘટનામાં બાળકીનાં મામા-મામીએ જ તેનું અપહરણ કરીને તેને વેચી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના બે જ દિવસમાં વાકોલા પોલીસે બાળકીને શોધીને તેનાં મમ્મી-પપ્પાને સોંપી દીધી હતી. પોલીસે આ કાર્યવાહીમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે બાળકીની મમ્મીએ તેની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ વાકોલા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની ૭ ટીમ બનાવવામાં આવી હતી. બે દિવસ સુધી પોલીસે આસપાસના તમામ વિસ્તારના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. આખરે એક શંકાસ્પદ ઑટોરિક્ષા અને એના ડ્રાઇવરને પોલીસે શોધી કાઢ્યાં હતાં.

લાંબી તપાસ અને પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો હતો કે બાળકીને તેનાં મામા-મામીએ કિડનૅપ કરી હતી અને ૯૦,૦૦૦ રૂપિયામાં પનવેલના એક માણસને વેચી દીધી હતી. એ માણસે પછી ૧,૮૦,૦૦૦માં બે મહિલાઓને એ બાળકી વેચી દીધી હતી. પોલીસે એમાંની એક મહિલાના પનવેલના ઘરમાં છાપો મારીને બાળકીને ઉગારી લીધી હતી અને તેને સુરક્ષિત તેનાં મમ્મી-પપ્પાને સોંપી દીધી હતી.

mumbai news mumbai vakola mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news