વિદ્યાર્થિનીને ૧૦૦ ઊઠકબેઠક કરાવનાર વસઈની ટીચરની ધરપકડ

20 November, 2025 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદનોના આધારે ટીચર વિરુદ્ધ ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલમાં મોડા પડવા બદલ વસઈની શ્રી હનુમંત વિદ્યામંદિર સ્કૂલમાં સ્ટુડન્ટ્સને બૅગ પહેરીને ૧૦૦ ઊઠકબેઠક કરવાની શિક્ષા કરનાર ટીચર મમતા યાદવની ગઈ કાલે પોલીસે ધરપકડ કરી હતી. આ સજાને કારણે છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનાર વિદ્યાર્થિનીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદનોને પગલે વાલિવ પોલીસે ટીચર સામે ગુનાહિત હત્યા અને બાળક પ્રત્યે ક્રૂરતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ વધુપડતા શારીરિક શ્રમને કારણે વિદ્યાર્થિનીના શરીરમાં તીવ્ર દુખાવો થયો હતો અને ફેફસાંમાં સોજો આવ્યો હતો જેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેણે જીવ ગુમાવ્યો હતો. વિદ્યાર્થિની શારીરિક રીતે નબળી હોવાની જાણ હોવા છતાં ટીચરે તેને સજા આપી હોવાની ફરિયાદ તેના પપ્પાએ કરી હતી, જેના આધારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

mumbai news mumbai vasai maharashtra news maharashtra Crime News mumbai crime news