કોરોના બન્યું નિમિત્ત વિધવાપ્રથા બંધ કરાવવા

09 May, 2022 08:23 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કોલ્હાપુરના એક ગામમાં કોરોનાએ ૧૨ યુવાનોનો ભોગ લીધા બાદ તેમની પત્નીઓ ધાર્મિક-સામાજિક કાર્યમાં સામેલ થઈ શકે અને સમાજમાં સન્માનથી જીવી શકે એ માટે ગ્રામપંચાયતે આ મહામારીને સકારાત્મક રીતે લઈને ગામમાં વિધવાપ્રથા બંધ કરાવી

વિધવા પ્રથા પર પ્રતિબંધ મૂકીને અનોખી પહેલ કરનાર હેરવાડ ગ્રામપંચાયત

કોરાના વાઇરસે દેશ-દુનિયાને લાંબા સમય સુધી મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે ત્યારે આ મહામારીને મહારાષ્ટ્રના એક ગામે પૉઝિટિવ રીતે લઈને નવતર વિચાર પ્રસ્તુત કર્યો છે. ગામના ૧૨ યુવાનોએ કોરોનામાં જીવ ગુમાવ્યા બાદ તેમની પત્નીઓએ વિધવાપ્રથા ન પાળવી પડે એ માટે ગામના રહેવાસીઓએ વિધવાપ્રથા પર પ્રતિબંધ મૂક્યો છે. હિન્દુ રિવાજ મુજબ પતિના મૃત્યુ થયા બાદ પત્નીના કપાળ પરનું સિંદૂર ભૂંસી નાખવામાં આવે છે તથા મંગળસૂત્ર, ચંપલ અને બંગડીઓ ઉતારી લેવામાં આવે છે તેમ જ વિધવા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં હાજર નથી રહી શકતી. સેંકડો વર્ષ જૂની આ પ્રથાને લીધે તેમનું જીવન નરક બની જાય છે. ભવિષ્યમાં ગામની કોઈ વિધવાની આવી સ્થિતિ ન થાય એ માટે ગામે વિધવાપ્રથા બંધ કરવા માટે ગ્રામપંચાયતમાં આ બાબતનો ઠરાવ મંજૂર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા શિરોળ તાલુકામાં હેરવાડ ગામ આવેલું છે. નવેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ હતી. ગામમાં રહેતા ૨૫થી ૩૦ વર્ષના ૧૨ પરિણીત યુવાનો આ મહામારીનો ભોગ બન્યા હતા. આમાંથી ચાર યુવાનોને ત્રણથી પાંચ વર્ષનાં સંતાન છે. ગામમાં આજેય વિધવાપ્રથા કાયમ હોવાથી આ યુવાનોની પત્નીઓનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. વિધવા મહિલાને અપશુકનિયાળ ગણવામાં આવતી હોવાથી તેઓ કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં જઈ નથી શકતી. ૧૨ યુવાનોની પત્નીઓને પણ અન્યોની જેમ સામાન્ય જીવન જીવવાનો અધિકાર હોવા છતાં તેમની આવી સ્થિતિથી ગામના કેટલાક લોકોએ એમાં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે ગ્રામપંચાયતની સભામાં ગામમાં વિધવાપ્રથાને બંધ કરવાનો ઠરાવ ૪ મેએ મંજૂર કર્યો હતો.

વિધવાઓની સ્થિતિ દયનીય
હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેંકડો વર્ષથી આપણા સમાજમાં હજી પણ વિધવાપ્રથા કાયમ છે. મહાન સમાજસુધારક રાજર્ષિ છત્રપતિ સાહુ મહારાજથી માંડીને અસંખ્ય લોકોએ અનેક પ્રયાસ કર્યા બાદ થોડોઘણો સુધારો થયો છે, પણ એકદમ નાબૂદ નથી થઈ. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગામના પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના ૧૨ પરિણીત યુવાનોનાં મૃત્યુ થયાં છે. તેમની પત્નીઓ જૂની પ્રથા મુજબ ઘરોમાંથી બહાર નહોતી નીકળી શકતી. ગળામાં મંગળસૂત્ર ન હોય તો ગામમાં સ્ત્રીઓને જુદી નજરે જોતા હતા. આનાથી પતિના મૃત્યુ થયા બાદ પરિવાર માટે કામકાજ કરવા માગતી વિધવાઓની સ્થિતિ દયનીય બની જતી હતી. આ વાત બધાના ધ્યાનમાં આવ્યા બાદ અમે સર્વાનુમતે ગામમાંથી વિધવાપ્રથાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.’

બે મહિલાએ ઠરાવ રજૂ કર્યો
વિધવાઓ પણ સન્માનપૂર્વક જીવી શકે એ માટે હેરવાડ ગ્રામપંચાયતે ૪ મેએ ગામની સભામાં વિધવાપ્રથા બંધ કરવા માટે મુક્તાબાઈ સંજય પૂજારી અને સુજાતા કેશવ ગુરવ નામની મહિલાએ પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિશે સરપંચ સુરગોંડા પાટીલે કહ્યું હતું કે ‘મહિલાનો વિષય હોવાથી ગ્રામસભામાં મહિલાઓ દ્વારા જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. મને આનંદ છે કે મારા સરપંચના કાર્યકાળમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

સામાજિક સંસ્થાની પ્રેરણા
હેરવાડ ગામમાં ૨૦૧૯ અને ૨૦૨૧માં ચોમાસામાં ભારે પૂર આવ્યું હતું. આ સમયે સોલાપુરની કરમાળા તહસીલમાં કાર્યરત મહાત્મા ફુલે સમાજ સેવા મંડળ દ્વારા અહીં મોટા પાયે રાહતકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ મંડળના અધ્યક્ષ પ્રમોદ ઝીંજાડેની પ્રેરણાથી હેરવાડે ગામે વિધવાપ્રથા નાબૂદ કરી. આ વિશે સરપંચ સુરગોંડા પાટીલે કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં મહાત્મા ફુલે સમાજ સેવા મંડળના સ્થાપક અધ્યક્ષ પ્રમોદ ઝીંજાડેના એક સહયોગીનું હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. એ સમયે મૃતકની પત્ની પર વિધવાપ્રથા મુજબ કપાળ પરનું સિંદૂર ભૂંસવાથી માંડીને ચંપલ ન પહેરવાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. વિધવાની આ સ્થિતિ તેઓ જોઈ નહોતા શક્યા. તેમણે આ વિશે ગ્રામપંચાયતમાં પત્ર લખ્યો હતો અને તેમને પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો હતો. પ્રમોદ ઝીંઝાડેએ સ્ટૅમ્પપેપર પર લખી આપ્યું છે કે તેમના મૃત્યુ બાદ તેમની પત્ની સાથે વિધવાની પ્રથાનો અમલ ન કરવામાં આવે. આ ઉદાહરણ પરથી અમને પ્રેરણા મળી હતી.’

mumbai mumbai news maharashtra prakash bambhrolia