20 November, 2025 07:21 AM IST | Mumbai | Mehul Jethva
તામિલનાડુ પોલીસના ફોટો CCTV કૅમેરાના ફુટેજમાંથી લઈને વાઇરલ કરવામાં આવ્યા હતા.
મુલુંડ-ઈસ્ટમાં મહાકાલીનગરમાં આવેલી એક સોસાયટીમાં રવિવારે બપોરે પાંચ લોકોએ પોતાની ઓળખ તામિલનાડુ પોલીસ તરીકે આપીને લૂંટ કરવાના ઇરાદે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો એક મેસેજ સોશ્યલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાઇરલ થયો હતો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજની સ્થાનિક રાજકીય નેતાઓએ અને મુંબઈ પોલીસના સિનિયર અધિકારીએ નોંધ લીધી હતી. અંતે આ કેસમાં નવઘર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આવેલા પાંચ લોકો તામિલનાડુ રાજ્યના નાંગુનરી પોલીસ-સ્ટેશનના અધિકારી હોવાની માહિતી સામે આવી છે એટલું જ નહીં, તેઓ ખરેખર હત્યા અને છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરવા મુલુંડમાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. મહાકાલીનગરની સોસાયટીમાં આવેલા લોકોને ફોટો CCTV કૅમેરામાંથી લઈને વાઇરલ કરવામાં આવ્યા હતા.
નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પરાગ સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે મુલુંડની સોસાયટીમાં લૂંટ કરવાના ઇરાદે તામિલનાડુ પોલીસ હોવાની ઓળખ આપી અજાણ્યા યુવાનોએ પ્રવેશ કરવાની કોશિશ કરી હોવાનો એક મેસેજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ પર મોટા પ્રમાણમાં વાઇરલ થયો હતો. એના કારણે પોલીસ-સ્ટેશન પર અનેક સામાજિક કાર્યકરોએ આવી ઘટના રોકવા માટે પત્ર આપ્યા હતા તેમ જ રાજકીય નેતાઓએ પણ આરોપીને પકડવાની માગણી કરી હતી. એટલું જ નહીં, સિનિયર અધિકારીઓ દ્વારા પણ આ કેસમાં તથ્ય શોધવા માટેનો આદેશ આપ્યો હતો. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટની ઑફિસમાં રવિવારે સવારે તામિલનાડુ પોલીસ હોવાનો દાવો કરીને એક યુવાને ફોન કરીને મુલુંડમાંથી આરોપીને પકડવા માટે મદદ માગી હતી. જોકે એ સમયે તમામ સ્ટાફ બહાર હોવાથી ક્રાઇમ બ્રાન્ચના કોઈ અધિકારી તેમની સાથે જઈ શક્યા નહોતા. ફોન કરનાર વ્યક્તિની માહિતી મેળવતાં તે તામિલનાડુ પોલીસના અધિકારી હોવાનું સામે આવ્યું હતું. કાયદા પ્રમાણે જ્યારે અમારા પોલીસ-સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કોઈ આરોપીની ધરપકડ કરવા માટે બીજા રાજ્યની પોલીસ આવે ત્યારે તેમણે અમારા પોલીસ-સ્ટેશનને લેખિતમાં જાણ કરવી જરૂરી છે. જોકે હત્યા અને છેતરપિંડીના કેસમાં આરોપી શોધવા આવેલી પોલીસે અમારો સંપર્ક ન કરતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનો સંપર્ક કર્યો હતો. આ મામલે અમે તામિલનાડુનાં SP દર્શિકા નટરાજન સાથે વાત કરીને આવેલા અધિકારીઓ વિશે માહિતી મેળવી છે. એમાં સ્પષ્ટ થયું છે કે આવેલા માણસો તામિલનાડુ પોલીસના જ હતા.’
શું મેસેજ વાઇરલ થયો હતો?
મુલુંડ-ઈસ્ટના મહાકાલીનગરની સોસાયટીમાં હત્યા અને છેતરપિંડીના કેસના એક આરોપીને પકડવા આવ્યા હોવાનો દાવો કરીને પાંચ માણસોએ પોતાની ઓળખ તામિલનાડુ પોલીસ તરીકે આપીને પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિક્યૉરિટી ગાર્ડે તેમને અંદર આવતાં રોક્યા હતા અને પછી ધીમે-ધીમે સોસાયટીના લોકો ગેટ પાસે જમા થવા લાગ્યા હતા એને પગલે આવેલા લોકો અસ્વસ્થ થઈને ત્યાંથી નીકળી ગયા હતા. આવેલા લોકો લૂંટના ઇરાદે નવી મોડસ ઑપરેન્ડી સાથે આવ્યા હોવાનો દાવો કરીને તેમનાથી સાવચેત રહેવાની અપીલ મેસેજમાં કરવામાં આવી હતી