25 February, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર આગળ જતાં પિંપરી-ચિંચવડ સુધરાઈની હદમાં આવેલા વાકડમાં હોટેલ ટિપટૉપ ઇન્ટરનૅશનલ સામે રવિવારે સાંજે થયેલા એક અકસ્માતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં પૂરઝડપે જઈ રહેલી કાર ઇમર્જન્સી બ્રેક મારે છે એને લીધે એ ૯૦ ડિગ્રી ફરી જાય છે અને ઘસડાઈને આગળ જઈ રહેલા ટૂ-વ્હીલરને અડફેટમાં લઈ લે છે. એમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલા બન્ને યુવકો ફંગોળાઈને પડી જાય છે. બાજુમાંથી એક થ્રી-વ્હીલર ટેમ્પો પસાર થાય છે છતાં નસીબના બેઉ બળિયા બચી જાય છે અને તેઓ તરત ઊભા થઈને બાજુના ડિવાઇડર તરફ ચાલ્યા જાય છે. એ જ વખતે એ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારના ડૅશબોર્ડ પર લગાડવામાં આવેલા ડૅશ-કૅમમાં આખી ઘટના કૅપ્ચર થઈ ગઈ હતી અને પછી એ વિડિયો વાઇરલ થયો હતો.
આ ઘટનાની વિગતો આપતાં હિંજેવાડી પોલીસ-સ્ટેશનના આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જ્ઞાનેશ્વર ઝોલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં અકસ્માતની આ ઘટના રવિવારે સાંજે ૬.૨૦ વાગ્યે બની હતી, પણ ટૂ-વ્હીલર ચલાવી રહેલા યુવકો અમારી પાસે રાતે ૯ વાગ્યા પછી આવ્યા હતા. તેમણે અમને એ વિડિયો બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે એ કારવાળાએ કાર રોકી હતી અને અમને કેટલું વાગ્યું છે એની પૂછપરછ પણ કરી હતી. એ પછી તેણે પાણી પણ ઑફર કર્યું હતું. જોકે બન્નેની ઈજા ગંભીર ન હોવાથી કાર-ડ્રાઇવર ગાડી લઈને ચાલ્યો ગયો હતો.’
આ ઘટનામાં ટૂ-વ્હીલર ચલાવી રહેલા ૩૨ વર્ષના દિનેશ વિશ્વકર્માએ હિંજેવાડી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તેમણે કારનો નંબર પણ આપ્યો હતો. જ્ઞાનેશ્વરે ઝોલે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘એ બન્ને યુવકો કાત્રજના રહેવાસી છે. તેમની બાઇક પર થોડો સામાન હતો જે અકસ્માતમાં ફંગોળાયો હતો. એ કારના નંબરની ડિટેલ મેળવી તો માલિકે એ કાર મુંબઈની કોઈ પાર્ટીને વેચી દીધી હોવાનું જાણવા મળ્યું છે અને અમને એ પાર્ટીનો નંબર પણ આપ્યો હતો. અમે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. અમે હાલમાં તેની સામે ગુનો નોંધીને કેસની તપાસ કરી રહ્યા છીએ.’