17 April, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC)ની ૯ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકો માટે ૧૨ મેએ મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ વિધાનપરિષદના ૯ સભ્યોનો કાર્યકાળ ૨૦૨૬ની ૧૩ મેએ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ ચૂંટણી યોજવી અનિવાર્ય બની છે. નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં ઉદ્ધવ ઠાકરે, નીલમ દિવાકર ગોર્હે, સંજય કિસનરાવ કેણેકર, સંદીપ દિવાકર જોશી, દાદારાવ યાદવરાવ કેચે, અમોલ રામકૃષ્ણ મિતકરી, રણજિતસિંહ વિજયસિંહ મોહિતે-પાટીલ, રાજેશ ધોંડીરામ રાઠોડ અને શશિકાંત જયવંતરાવ શિંદેનો સમાવેશ છે.
૨૩ એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે. નામાંકનપત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ અને ઉમેદવારીપત્રોની ચકાસણી બીજી મેએ હાથ ધરવામાં આવશે, જ્યારે નામ પાછું ખેંચવાની અંતિમ તારીખ ૪ મે, મતદાનની તારીખ ૧૨ મે, મતગણતરી ૧૨ મેએ નિર્ધારિત કરવામાં આવી છે.
પ્રજ્ઞા સાતવની બેઠક માટે પણ યોજાશે પેટાચૂંટણી
પ્રજ્ઞા સાતવ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયાં હતાં. વિધાનપરિષદના સભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ ૨૦૩૦ની ૨૭ જુલાઈ સુધી ચાલવાનો હતો. હવે આ બેઠક માટે પણ ૧૨ મેએ ચૂંટણી યોજાશે. ૯ બેઠકો માટે નિયમિત ચૂંટણીઓ યોજાશે, જ્યારે એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. એવી ધારણા છે કે BJP ફરી એક વાર પ્રજ્ઞા સાતવને આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરશે.