વિધાનસભામાં આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે જામી

24 June, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને ફેંકનાથ મિંધે કહ્યા, એની સામે એકનાથ શિંદેએ કહ્યું કે જોર કા ઝટકા પછી હજી પણ ‘શૉક’ આપીશું

આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે

મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો શિવસેનામાં સામેલ થયા એ મુદ્દે વિધાનસભાના મૉન્સૂન સેશનના બીજા દિવસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (UBT) પર પ્રહાર કર્યા હતા અને તેમણે ‘જોર કા ઝટકા’ આપ્યો હોવાથી તેમના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હોવાની ટીકા કરી હતી. ભવિષ્યમાં તેમને વધુ શૉક મળશે એમ પણ એમ એકનાથ શિંદેએ જણાવ્યું  એ પહેલાં આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે જવાબ આપવામાં ગભરાતા હોવાનું કહીને તેમને ‘ફેંકનાથ મિંધે’ બોલાવ્યા હતા. એને પગલે રોષે ભરાયેલા એકનાથ શિંદેએ તેમના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
 એવા પ્રધાન જે અકાર્યક્ષમ છે તે ‘ફેંકનાથ મિંધે’ છે અને જેમને કારભાર સંભાળતાં નથી આવડતો તે હંમેશાં જવાબ આપવાથી ગભરાય છે અને સભાગૃહમાં જવાબ આપવાથી ભાગે છે. 
 ૨૦૧૯ કે ૨૦૨૦માં અમારા મુખ્ય પ્રધાન કે પ્રધાનો આવી રીતે ભાગ્યા નહોતા. ક્યારેક અમે અને ક્યારેક અમારા રાજ્યપ્રધાનોએ પણ જવાબો આપ્યા છે. રેકૉર્ડ કાઢીને જોઈ લો કે અમે દર વખતે જવાબો આપ્યા છે, અમે દર વખતે જવાબદારી સ્વીકારી છે. ક્યારેય આમની જેમ ભાગ્યા નથી.

એકનાથ શિંદે શું બોલ્યા?
 સભાગૃહમાં હાજર રહીને વિધાનસભાના સભ્યોના સવાલોના જવાબ આપવા એ અમારી જવાબદારી છે અને હું તથા મુખ્ય પ્રધાન પોતે હાજર રહીને તેમના સવાલોના જવાબ આપીએ છીએ. 
 અરે ભાઈ, આ લોકો (વિપક્ષ) સભાગૃહમાં તો બેસે. એટલે જ કહું છું કે થોડું પાછળ વળીને જુઓ, આત્મપરીક્ષણ કરો, આત્મચિંતન કરો. જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય તેમણે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય. જેને જે જવાબદારી અપાઈ હોય એ નિભાવવી જોઈએ. વિના કારણની વાતો કરીને તમારે વિધાનસભાનો સમય બરબાદ ન કરવો જોઈએ. 

શિવસેના 2.0 બાદ હવે થઈ રહી છે શિવસેના ભવન 2.0ની તૈયારી

એકનાથ શિંદેની નવું શિવસેના ભવન બનાવવાની યોજના, માતોશ્રીની નજીક કે પછી દાદરમાં એ નક્કી કરવાનું બાકી

સંયુક્ત શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની જ શિવસેના ઊભી કરી અને એને સત્તાવાર રીતે શિવસેના નામ મળ્યું અને હવે નવું શિવસેના ભવન બનાવવાની તૈયારી થઈ રહી છે. હાલ દાદર-વેસ્ટમાં શિવસેના ભવન આવેલું છે. જોકે એકનાથ શિંદે નવું ભવ્ય શિવસેના ભવન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં, ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી નજીક કે પછી દાદરમાં જ બનાવે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના ભવન શિવસેના (UBT) પાર્ટીનું હેડક્વૉર્ટર છે અને આવું જ હેડક્વૉર્ટર હવે એકનાથ શિંદે પણ બનાવવાની તૈયારીમાં હોવાનો અહેવાલ છે. એવું મનાય છે કે BKCની જગ્યાએ દાદરમાં નવું શિવસેના ભવન બનાવવાની ઇચ્છા એકનાથ શિંદેની છે. BKCના કૉર્પોરેટ માહોલને બદલે દાદરમાં જ્યાં પહેલાં જ શિવસેના ભવન આવેલું છે ત્યાં નવું શિવસેના ભવન બનાવાય એવો એકનાથ શિંદેનો આગ્રહ છે. દાદરમાં મરાઠીભાષી લોકો વધુ હોવાથી ત્યાં જ નવું શિવસેના ભવન બનાવવામાં આવી શકે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra aaditya thackeray eknath shinde political news maharashtra political crisis uddhav thackeray shiv sena