11 May, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિરેક્ટરેટ જનરલ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ પબ્લિક રિલેશન્સ (DGIPR) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશ્યલ મીડિયા પર એક વાઇરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે વસ્તીગણતરીની નોંધણી દરમ્યાન મરાઠીભાષીઓએ ફક્ત મરાઠીનો ઉલ્લેખ કરવો જોઈએ એ ખોટો છે. નાગરિકોને આવી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવા અથવા ફૉર્વર્ડ ન કરવા વિનંતી કરવામાં આવી છે. DGIPRએ એની ફૅક્ટ-ચેક પોસ્ટમાં નાગરિકોને સત્તાવાર વેબસાઇટ્સ censusindia.gov.in અને se.census.gov.in દ્વારા વસ્તીગણતરી સંબંધિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવાની સલાહ પણ આપી હતી.
વાઇરલ મેસેજમાં શું છે?
ફરતા થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો નાગરિકો મરાઠી સાથે અંગ્રેજી અથવા હિન્દી કે અન્ય કોઈ પણ ભાષાનો ઉલ્લેખ કરશે તો તેમની એન્ટ્રી બહુભાષીમાં થશે અને એથી મરાઠીભાષીઓની સંખ્યાને અસર થશે. સરકાર દ્વારા ફન્ડની ફાળવણી પણ ચોક્કસ ભાષા બોલનારાઓની સંખ્યા અનુસાર થાય છે એટલે માત્ર મરાઠી જાણતા હોવાનું જ જણાવવું એવો ભાર મૂકવામાં આવ્યો છે.