ફક્ત મૅચનો નહીં, પાકિસ્તાન રમે એ ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરવો જોઈએ

14 September, 2025 07:30 AM IST  |  Mumbai | Dinesh Savaliya

આજે દુબઈમાં એશિયા કપનો સૌથી મહત્ત્વપૂર્ણ ભારત અને પાકિસ્તાન જંગ જામવાનો છે અને દેશભરમાં એની સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મુંબઈના ગુજરાતીઓનો વર્લ્ડ કપ ગણાતા મિડ-ડે કપના દિગ્ગજ કૅપ્ટનો એના વિશે શું માને છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ધીરેન દેઢિયા (કચ્છી વીસા ઓસવાળ જૈન)

એક સ્પોર્ટ્‍સમૅન તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે હું સ્ટ્રૉન્ગલી માનું છું કે જો કોઈ, ભલે એ આપણો પાડોશી જ કેમ ન હોય, મારા ઘરમાં આવીને મને નુકસાન પહોંચાડે તો હું તેની સાથે સંબંધ જ ન રાખું. પાકિસ્તાને શું કર્યું છે એ કોઈને કહેવાની જરૂર નથી. આવા સમયે એની સાથે એશિયા કપમાં તો નહીં, બીજી કોઈ ઇવેન્ટમાં પણ ન રમવું જોઈએ. આપણે નહીં રમીશું તો આપણને જે નુકસાન થશે એનાથી અનેકગણું નુકસાન તેમને થવાનું છે. હું સ્ટ્રૉન્ગલી માનું છું કે આપણું ક્રિકેટ બોર્ડ આજે એટલું સ્ટ્રૉન્ગ છે કે એ ધારે એ કરી શકે છે અને કરાવી શકે છે. એથી આપણા ક્રિકેટ બોર્ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે જે ટુર્નામેન્ટમાં પાકિસ્તાન હશે એમાં ભારત નહીં રમે. ટીમ ઇન્ડિયા વગર આજે કોઈ જ ટુર્નામેન્ટ શક્ય નથી. જો ભારતીય ટીમ એકાદ ટુર્નામેન્ટમાં નહીં રમે તો કોઈ મોટું નુકસાન નથી થઈ જવાનું. જો પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઇવેન્ટ્સમાં બૅન થઈ ગયું તો એનું ક્રિકેટ બોર્ડ દેવાળિયું થઈ જશે. આપણા દુશ્મનો સાથે આવું જ કરવું જોઈએ અને અને આ રીતે એને પાઠ ભણાવવો જોઈએ.  બીજું, ભારતીય ટીમને પાકિસ્તાન સામે મેદાનમાં રમતી જોઈને એ વિધવાઓ તેમ જ તેમની ફૅમિલી પર કેવું વીતશે જેમનું સર્વસ્વ થોડા‌ ‌દિવસ પહેલાં જ પાકિસ્તાની આતંકવાદીઓએ બરબાદ કરી નાખ્યું હતું? સામાન્ય સંજોગામાં ભારત-પાકિસ્તાન મૅચ માટે એટલો ઉત્સાહ નથી હોતો એટલે આ વખતે પણ આ મુકાબલો જોવાનો કોઈ પ્લાન નથી. જો મજબૂરીવશ ભારત રમશે તો ઇચ્છીશ કે ભારતીય ટીમની ભવ્ય જીત થાય. ભારતની જીતની હાઇલાઇટ્સ જરૂર જોઈશ.

મયૂર ગાલા (વાગડ વીસા ઓસવાળ જૈન)

ભારત સરકારે જે રીતે ઑપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને એના દુઃસાહસ બદલ પાઠ ભણાવ્યો છે ત્યારે આપણે તેમની સાથે ક્રિકેટ તો ન જ રમવું જોઈએ. પાકિસ્તાનના આપણા પરના આતંકવાદી હુમલા અને ત્યાર બાદના આપણા સૈનિકોના ઑપરેશન વિશે બધી માહિતી સરકારે જ આપી છે અને આપણે એ બધી વાતને માની લીધી છે. હવે એ જ સરકારે આપણને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની છૂટ શા માટે આપી છે એ જ સમજાતું નથી. આપણું ક્રિકેટ બોર્ડ આજે ધારે એ કરી શકે છે. એની શું મજબૂરી છે એ જ સમજાતું નથી. ઇન શૉર્ટ આપણું જેની સાથે યુદ્ધ ચાલી રહ્યું હોય તેમની સાથે ક્રિકેટ તો ન જ રમવું જોઈએ. આમેય હું પાકિસ્તાનની મૅચ જોતો નથી, આજે પણ નથી જોવાનો. 

હિતેશ ભાયાણી (સૌરાષ્ટ્ર લેઉવા પટેલ)

હાલના સંજોગામાં તો ભારતે પાકિસ્તાન સાથે ન જ રમવું જોઈએ. પાકિસ્તાને આપણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા અને ઑપરેશન સિંદૂર બાદ જે રીતે તેમના ભૂતપૂર્વ ખેલાડીઓએ આપણી ‌વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં એ આપણે ન ભૂલવું જોઈએ. આપણા સૈનિકોના ઑપરેશન સિંદૂરની ઑપરેશન સુહાગરાત કહીને મજાક ઉડાડી હતી. તેમને તો પાઠ ભણાવવો જ જોઈએ. આપણી એકતાનો પરચો તેમને બતાવી દેવો જોઈએ. જોકે મને લાગે છે કે ટુર્નામેન્ટની પાકિસ્તાન સાથેની મૅચનો બહિષ્કાર કરીને ફાયદો તો તેમને જ થવાનો છે એટલે આપણી સરકારે અને ક્રિકેટ બોર્ડે ICCને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે જે ઇવેન્ટ કે ટુર્નામેન્ટમાં પાકિસ્તાન હશે એમાં ભારતીય ટીમ નહીં રમે. કેમ કે ક્રિકેટ નહીં, દેશ મહત્ત્વનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ હંમેશાં જોઉં છું, આજે પણ જોવાનો છું. 

રમેશ જબુઆણી (કચ્છી કડવા પાટીદાર)

જ્યારે આપણે એશિયા કપમાં રમવાનું નક્કી કરી લીધું છે તો દરેક મૅચ રમવી જોઈએ, એમાં સિલેક્ટિવ ન બનવું જોઈએ. જો તમારે પાકિસ્તાન સાથે નથી જ રમવું તો આખી ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરવો જોઈતો હતો. હું પર્સનલી માનું છું કે આપણા સૈનિકો જ્યારે બૉર્ડર પર જીવની બાજી લગાવી રહ્યા છે ત્યારે આપણે પાકિસ્તાન સામે ક્રિકેટ ન જ રમવું જોઈએ. આજની પરિસ્થિતિમાં તો ન જ રમવું જોઈએ. દુનિયાના સૌથી રિચેસ્ટ અને પાવરફુલ આપણા ક્રિકેટ બોર્ડ જો ધારે તો પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવી શકે છે. જોકે ક્રિકેટ હવે માત્ર એક રમત નથી રહી, બિઝનેસ બની ગયો છે. આપણા ભૂતપૂર્વ ખેલાડીઓએ તાજેતરમાં લેજન્ડ્સ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કર્યો હતો એને કારણે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી ગયું હતું. આથી એશિયા કપ કે વર્લ્ડ કપમાં આપણી ટીમ આવી રીતે સિલેક્ટિવ બનશે તો બની શકે છે કદાચ ફાઇનલ પણ જતી કરવી પડે અને પાકિસ્તાન ચૅમ્પિયન બની જાય. આથી આવા બહિષ્કારનો કોઈ અર્થ નથી રહેતો. આજે સમાજની એક ટુર્નામેન્ટમાં વ્યસ્ત હોવાથી હું ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નથી જોવાનો. 

મૌલિક મહેતા (કપોળ)

ભારત સરકારે અને આપણા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે દ્વિપક્ષી સિરીઝમાં ન રમવાનો અને ICC ઇવેન્ટ્સમાં રમવાનો નિર્ણય લીધો છે એ સમજીવિચારીને લીધો હશે. હવે આપણી ટીમે એ નિર્ણયને આદર આપીને રમવું જોઈએ. રાજકારણ અને સ્પોર્ટ્સને મિક્સ ન કરવું જોઈએ. જો દરેક દેશ શરતો સાથે ટુર્નામેન્ટમાં સહભાગી થશે તો ICC માટે વર્લ્ડ કપ કે બીજી કોઈ મેજર ઇવેન્ટનું આયોજન કરવું મુશ્કેલ થઈ જશે. આપણા સિનિયર ખેલાડીઓએ ભલે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે લીગ અને સેમી ફાઇનલ મૅચ જતી કરી. હવે જ્યારે ક્રિકેટ બોર્ડે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાનો નિર્ણય લીધો છે તો આપણે રમવું જોઈએ. હંમેશની જેમ આજે પણ હું ભારત-પાકિસ્તાનની ટક્કર જોવાનો છું.

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai kutchi community jain community vaishnav community cricket news t20 asia cup 2025 asia cup pakistan