અશ્વિની ભિડે પ્રોજેક્ટ કેમ ફટાફટ કરી શકે છે?

01 April, 2026 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિની ભિડેનો પ્રશાસકીય દૃષ્ટિકોણ રૂલ-બેઝ્ડ ગવર્નન્સ કરતાં પ્રૉબ્લેમ-સૉલ્વિંગ ગવર્નન્સ તરીકે વધુ જાણીતો છે.

નિવૃત્ત થતા BMC કમિશનર ભૂષણ ગગરાણીએ અશ્વિની ભિડેને ચાર્જ સોંપ્યો હતો

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)ની સ્થાપના થઈ ત્યારે એની પાસે જમીન જ નહોતી અને મેટ્રો 3નો અન્ડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ બહુ મોટો હતો. વળી પ્રોજેક્ટ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) તથા કેન્દ્ર સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોની પરવાનગીઓ મેળવવાની હતી. અશ્વિની ભિડેએ એના પર રામબાણ ઉપાય શોધી કાઢ્યો. તેમણે એ ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત અધિકારીઓની ટીમ બનાવી અને તેમને એ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરીને કામ આગળ વધારવા જણાવ્યું. ત્યાર બાદ આ જ ટીમ દ્વારા તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોજકેટની માહિતી અને પ્રેઝન્ટેશન આપ્યું અને એ પછી પ્રોજેક્ટે વેગ પકડ્યો અને મુંબઈ મેટ્રો 3 બની શકી તથા દોડી શકી.

પુરુષોની માનસિકતા હૅન્ડલ કરવાનો પ્લસ પૉઇન્ટ

અશ્વિની ભિડેની એક આવડત વિશે જણાવતાં MMRCના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘અશ્વિની ભિડે દરેક વ્યક્તિ સાથે ચર્ચા કરે છે. પુરુષોની માનસિકતા કેવી હોય અને એને કઈ રીતે હૅન્ડલ કરવી એ તેઓ બખૂબી જાણે છે. ડાયલૉગ્સ અને હ્યુમન રિસોર્સને ટૅકલ કરવાની તેમની આવડત તેમનો પ્લસ પૉઇન્ટ છે.’

રૂલ-બેઝ્ડ ગવર્નન્સને બદલે પ્રૉબ્લેમ-સૉલ્વિંગ ગવર્નન્સ

અશ્વિની ભિડેનો પ્રશાસકીય દૃષ્ટિકોણ રૂલ-બેઝ્ડ ગવર્નન્સ કરતાં પ્રૉબ્લેમ-સૉલ્વિંગ ગવર્નન્સ તરીકે વધુ જાણીતો છે. નિયમ લોકો માટે હોય છે, લોકો નિયમ માટે નથી હોતા તેમની એવી ભૂમિકા અનેક રીહૅબિલિટેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જણાઈ આવી છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)માં જ્યારે તેમની નિયુક્તિ થઈ ત્યારે પ્રોજેક્ટ્સ તો ઘણાબધા હતા, પરંતુ એક પણ પ્રોજેક્ટ પ્રૅક્ટિકલી શરૂ થયો નહોતો. દરેક પ્રોજેક્ટમાં સમસ્યાઓનો ડુંગર હતો. ખરું જોતાં એક પણ પ્રોજેક્ટ માટે MMRDA પાસે જમીન જ નહોતી. જમીન સરકારી સંસ્થા પાસે અથવા કોઈ ખાનગી વ્યક્તિ કે પછી અન્ય કોઈ પ્રોજેક્ટ માટે બ્લૉક હતી. એ વખતે તેમણે કૉલોની વચ્ચે જઈ તેમને મળવું, માહિતી આપવી એવી રીતે અનેક ઉપક્રમ ચાલુ કર્યા અને સમસ્યાઓ ઉકેલીને પ્રોજેક્ટ આગળ વધારતાં ગયાં.

મિલન સબવેનો પેચીદો મુદ્દો મક્કમપણે હૅન્ડલ કર્યો

મુંબઈમાં થોડો પણ વરસાદ પડે તો તરત જ સાંતાક્રુઝ અને વિલે પાર્લે વચ્ચે આવેલા મિલન સબવેમાં પાણી ભરાઈ જતું હતું. એથી ત્યાં રેલ ઓવર બ્રિજ બનાવવો હતો, પણ ૪૦૦-૫૦૦ લોકોનું એ માટે રીહૅબિલિટેશન (પુનર્વસન) કરવું જરૂરી હતું. એ લોકોને બીજી જગ્યા પણ દેખાડી હતી, પણ એ લોકો ત્યાંથી ખસવા તૈયાર નહોતા. એ વખતે તેમણે ત્યાંના રહેવાસીઓ સાથે સતત બેઠકો કરીને મક્કમપણે સમજાવ્યું કે તેમણે હટવું તો પડશે જ. આખરે એ લોકોને સમજાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરાવવામાં તે સફળ રહ્યાં હતાં.

 

mumbai news mumbai brihanmumbai municipal corporation devendra fadnavis maharashtra government maharashtra news maharashtra ashwini bhide