19 January, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભીમજી ભાનુશાલી
હવે ઈ-કૉમર્સ આપણા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયું છે. આંગળીના ટેરવે આખી દુનિયાનું બજાર હાજર છે, પણ આ સગવડની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. આજે લોકોને જે સસ્તી ચીજો લાગે છે એની કોઈ પારાશીશી હોતી નથી. સેલ અને ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાતોમાં ફસાઈને યુવાવર્ગ ગમેતેવો માલ ખરીદી રહ્યો છે, જેમાં ન તો કોઈ વિશ્વસનીયતા છે કે ન તો ગુણવત્તાની કોઈ ખાતરી.
ખાસ કરીને જ્યારે વાત અનાજ અને ખાદ્યપદાર્થોની હોય ત્યારે આપણે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. અનાજ એવી વસ્તુ છે જે આપણા શરીરનું પોષણ કરે છે, એને બહુ ચકાસીને લેવું જોઈએ. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર દેખાતા સુંદર પૅકેજિંગ પાછળ સડેલું કે ભેળસેળિયું અનાજ હોઈ શકે છે. મારો સ્પષ્ટ મત છે કે આ બધી ચીજો દુકાનોમાં રૂબરૂ જઈને જ લેવી જોઈએ. દુકાનદાર સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને વસ્તુને હાથમાં લઈને જોવાની પ્રક્રિયા આપણને છેતરાતાં બચાવે છે.
દુર્ભાગ્યે આજના યુવાવર્ગને ઈ-કૉમર્સની એવી લત લાગી છે કે ન પૂછો વાત. બ્રૅન્ડના નામ અને મોટાં ડિસ્કાઉન્ટ જોઈને તેઓ ઑર્ડર તો કરી દે છે, પણ અસલી ક્વૉલિટીની તેમને કોઈ ખબર હોતી નથી. ખાવા-પીવાની વસ્તુઓમાં જે ભેળસેળ આજે જોવા મળે છે એ ચિંતાનો વિષય છે. પહેલાંના સમયમાં આપણે મસાલાથી લઈને પાપડ અને અથાણાં સુધીની મોટા ભાગની વસ્તુઓ ઘરે બનાવીને ઉપયોગમાં લેતા હતા. આજે એ બધું જ રેડીમેડ સ્વરૂપે પૅકેટમાં આવી ગયું છે. આ રેડીમેડ વસ્તુઓમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાદ તો આપે છે પણ સ્વાસ્થ્ય બગાડે છે.
ઑનલાઇન ડિસ્કાઉન્ટના લોભમાં આપણે એ ભૂલી ગયા છીએ કે જે વસ્તુ સસ્તી મળે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ક્વૉલિટી સાથે સમાધાન થયું જ હોય છે. પૅકેજિંગ ગમે એટલું આકર્ષક હોય, પણ એ પૅકેટની અંદર રહેલો માલ આપણા રસોડા સુધી પહોંચે ત્યાં સુધીમાં એની પૌષ્ટિકતા કેટલી બચી છે એ મોટો પ્રશ્ન છે. અંતે તો આપણું શરીર એ જ બનશે જેવું આપણે અનાજ ખાઈશું. અમારે એટલું જ કહેવું છે કે આંધળી દોટ મૂકવાને બદલે ફરી એક વાર આપણી જૂની અને જાણીતી પદ્ધતિઓ તરફ વળવું જરૂરી છે. ખાવા-પીવાની બાબતમાં આળસ છોડીને જાતે ચકાસીને અને બને ત્યાં સુધી ઘરે બનાવેલી શુદ્ધ વસ્તુઓનો આગ્રહ રાખવો એ જ આજના સમયની માગ છે. લોકો સમય બચાવવા માટે ઑનલાઇન મગાવે છે, પણ એ ભૂલી જાય છે કે આ બચાવેલો સમય કદાચ ભવિષ્યમાં હૉસ્પિટલના ધક્કા ખાવામાં ખર્ચાઈ શકે છે. સસ્તું હંમેશાં સારું હોતું નથી અને મોંઘું સ્વાસ્થ્ય ફરીથી ખરીદી શકાતું નથી.