28 December, 2024 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. મનમોહન સિંહ
ડૉ. મનમોહન સિંહ હંમેશાં લાઇટ બ્લુ રંગની પાઘડી પહેરતા હતા અને બ્લુ તેમનો ફેવરિટ રંગ પણ હતો. આ જ કારણે તેઓ આ રંગની જ પાઘડી પહેરતા હતા. જોકે આ રંગ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પણ રંગ માનવામાં આવે છે અને આ મુદ્દે ડૉ. મનમોહન સિંહે એક વાર એક સમારોહમાં જણાવ્યું હતું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિતાવેલા તેમના દિવસોની યાદો ઘણી ઊંડી છે, આ બ્લુ રંગની પાઘડી યુનિવર્સિટી પ્રત્યે આદર અને સન્માન દર્શાવે છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ૨૦૦૬માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા. આ સન્માન સમારોહમાં તત્કાલીન ડ્યુક ઑફ એડિનબર્ગ અને યુનિવર્સિટીના ચાન્સેલર પ્રિન્સ ફિલિપે તેમની બ્લુ રંગની પાઘડી પ્રત્યે ધ્યાન દોર્યું હતું. એ સમયે આ રહસ્ય ખોલતાં ડૉ. મનમોહન સિંહે જણાવ્યું હતું કે ‘હું જ્યારે કેમ્બ્રિજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કાયમ બ્લુ રંગની જ પાઘડી પહેરતો હતો. આના કારણે મારા મિત્રો પણ મને બ્લુ ટર્બન નામથી બોલાવતા હતા અને એ મારું ઉપનામ પડી ગયું હતું. કૉલેજના દિવસોમાં આ રંગનો સાથ રહ્યો હતો જે પછી વડા પ્રધાનની ઑફિસ સુધી રહ્યો હતો. આ મારો ફેવરિટ રંગ છે અને કેમ્બ્રિજમાં વિતાવેલા દિવસોએ મારા પર ઊંડી છાપ છોડી છે.’