એકલતાથી કંટાળીને આત્મહત્યા કરવા ગયેલી મહિલાને મોટરમૅને બચાવી લીધી

14 September, 2021 03:25 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

ટ્રૅકની વચ્ચે ઊભા રહીને ૬૦ વર્ષનાં સુભદ્રા શિંદેએ મોટરમૅનને ટ્રેન તેમના પરથી ચલાવવા ઇશારો કર્યો હતો

વૃદ્ધ મહિલા એકલતાથી કંટાળીને તેનો જીવ આપવા માગતી હતી પરંતુ મોટરમૅને તેનો જીવ બચાવી લીધો હતો

‘મેં તો પહેલી વખત જોયું કે કોઈ જીવ આપવા ટ્રૅક પર ઊભું હોય અને મોટરમૅનને ગાડી ચલાવીને આગળ આવવા ઇશારો કરતું હોય.’

આ અનુભવ બયાન કરે છે વેસ્ટર્ન રેલવેના એકાવન વર્ષના મોટરમૅન સૂર્યકારી વસંતરાવ. તેમની સતર્કતાને લીધે ૬૦ વર્ષની ડિપ્રેસ્ડ મહિલાને સુસાઇડ કરતાં બચાવી લીધી હતી.

બનાવ વિશે માહિતી આપતાં વસઈ જીઆરપીના સચિન ઇંગાવલેએ જણાવ્યું હતું કે ‘નાલાસોપારામાં એકલી રહેતી સુભદ્રા શિંદે નામની મહિલાનો એકનો એક દીકરો વસઈથી કામ પર જવું દૂર પડતું હોવાથી પરેલમાં તેના કાકા સાથે રહે છે. જ્યારે કે તેનો પતિ બે વર્ષ પહેલાં ગુજરી ગયો હતો. એકલતાને કારણે તે ડિપ્રેસ્ડ થઈ ગઈ હતી અને પોતાના જીવનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. એથી તે ટ્રૅક પર આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. દહાણુથી આવતી ડબલ ફાસ્ટ લોકલ વસઈના પ્લૅટફૉર્મ-નંબર ૬ની પાસે આવી રહી હતી ત્યારે તે ટ્રૅક પર ઊભી રહી ગઈ હતી. સતર્ક મોટરમૅન અને રેલવે પોલીસે તેનો જીવ બચાવ્યો હતો. પોલીસ-સ્ટેશને લાવીને મહિલાને પાણી આપ્યું અને તે શાંત થયા બાદ તેણે આખી વાત કરી હતી. અમે મહિલાને વિરારના એક ઓલ્ડ એજ હોમમાં દાખલ કર્યાં છે અને તેમના દીકરાને પણ પૂછપરછ માટે બોલાવ્યો હતો.’

છેલ્લાં ૨૫ વર્ષથી ફરજ બજાવનાર અને ટ્રૅક પર મહિલાથી આશરે ૧૦ ફીટની દૂરી પર લોકલને કન્ટ્રોલ કરનાર મોટરમૅન સુર્યકારી વસંતરાવે જણાવ્યું હતું કે ‘લોકલ ડબલ ફાસ્ટ હોવાથી વિરાર સ્ટેશન બાદ ટ્રેન સીધી વસઈ સ્ટેશને ઊભી રહેવાની હતી. એથી ટ્રેન સ્પીડમાં હતી અને વસઈ સ્ટેશને પહોંચી રહી હતી ત્યારે એક મહિલા હાથમાં છત્રી પકડીને એક બાજુએ ઊભેલી જોવા મળી હતી. પહેલાં મને એવું લાગ્યું કે મહિલા ટ્રૅક ક્રૉસ કરી રહી હતી. એથી મેં અનેક વખત હૉર્ન વગાડ્યું હતું પરંતુ જેમ ટ્રેન પાસે આવી રહી હતી તેમ એ મહિલા ટ્રેનની પાસે અને ટ્રૅકની વચ્ચે આવી રહી હતી. એથી મને શંકા જતાં હું ટ્રેનની ગતિ પર કન્ટ્રોલ કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો. મહિલા મને ટ્રૅક પરથી ગાડી આગળ લાવ એવો ઇશારો કરી રહી હતી. હું જેમ-તેમ ઇમર્જન્સી બ્રેકનો ઉપયોગ કરીને ટ્રેન પર કન્ટ્રોલ લાવ્યો અને મહિલાથી લગભગ ૧૦ ફીટની આગળ ગાડી આવીને ઊભી કરી હતી. હૉર્નનો અવાજ સાંભળીને પ્લૅટફૉર્મ પર રહેલા જીઆરપી કૉન્સ્ટેબલ પણ દોડીને આવ્યા અને મહિલાને તરત જ ત્યાંથી દૂર કરી હતી અને તેનો જીવ બચ્યો હતો.’

mumbai mumbai news nalasopara preeti khuman-thakur