✕

મુંબઈ કૉંગ્રેસની યુથ વિંગે રસ્તા પર બોટ ચલાવી: અનોખી રીતે કરી સરકાર અને BMCની ટીકા

26 October, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ યુથ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુફિયાન હૈદરે જણાવ્યું હતું કે, “ગટરોની સફાઈ માટે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચૂકવ્યા પછી પણ પરિસ્થિતિ એવી જ રહી તો શિંદે-ફડણવીસ સરકાર જવાબદાર છે."

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

Youth Wing of Mumbai Congress Drives Boat on Road: રવિવારે ફરીથી ભારે વરસાદથી મુંબઈ ડૂબી ગયું હતું. કૉંગ્રેસ પક્ષની યુવા પાંખએ અકાર્યક્ષમ સરકાર અને BMCને તેની ઊંઘમાંથી જગાડવા ડૂબી ગયેલા વિસ્તારોમાં બોટ ચલાવી હતી. રાજ્ય સરકારની નવી યોજના તરીકે પાણી ભરાયેલી શેરીઓમાં સફર કરવાની પ્રવૃત્તિને આગળ ધપાવતા, મુંબઈ યુથ કૉંગ્રેસના સભ્યો સમગ્ર અંધેરીમાં ફર્યા હતા.

મુંબઈ યુથ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સુફિયાન હૈદરનું નિવેદન

મુંબઈ યુથ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુફિયાન હૈદરે જણાવ્યું હતું કે, “ગટરોની સફાઈ માટે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચૂકવ્યા પછી પણ પરિસ્થિતિ એવી જ રહી તો શિંદે-ફડણવીસ સરકાર જવાબદાર છે. મુખ્યમંત્રી અને તેમના ડેપ્યુટીઓને જગાડવા માટે અમારે મુંબઈના રસ્તાઓ પર હોડીઓ કાઢવાની હતી.”

ગયા અઠવાડિયે તેના `BMC વિકાસ` ઝુંબેશ સાથે ખાડાઓ પર નાગરિક સંસ્થાને નિશાન બનાવ્યા પછી પાર્ટીનો આ અનોખો વિરોધ એ બીજો આવો અભિગમ છે. રવિવારે, કાર્યકરોએ અંધેરી પશ્ચિમમાં વીરા દેસાઈ રોડ પર હોડીઓ ચલાવી હતી. વિરોધીઓએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ વર્ષે નાળા સાફ કરવા માટે 260 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ વચ્ચે શહેરમાં અશાંતિ છે.

10 કલાકમાં 100 MM વરસાદ, ફ્લાઈટ્સ, ટ્રેન, બસ અસરગ્રસ્ત, રેડ અલર્ટ

મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારોમાં રવિવારે સાંજ સુધી 100 MMથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેથી અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે, ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે અને દાદર તથા માટુંગા સ્ટેશન વચ્ચે સેન્ટ્રલ રેલવ વિભાગમાં પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે.

રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. BMC પાસેથી મળેલી માહિતી અનુસાર માત્ર 10 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે 24 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાયગઢમાં મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. આ ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. રવિવારે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં 100 મીમી, પૂર્વ ઉપનગરોમાં 118 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 110 મીમી વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને કારણે 15 વિમાનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા, જ્યારે રનવે પણ બે વાર બંધ કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે સોમવારથી રવિવારની સરખામણીમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી હશે, પરંતુ 24 કલાકમાં 65 મીમીથી વધુ વરસાદ પડશે. 1 જૂનથી 21 જુલાઈ, સવારે 8.30 વાગ્યા સુધીમાં મુંબઈમાં 1551.1 મિમી અને ઉપનગરોમાં 1578 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં લો પ્રેશર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે MMRમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

congress maharashtra maharashtra news brihanmumbai municipal corporation mumbai mumbai news