મેઘની મહેર બદલાઈ કહેરમાં: મહારાષ્ટ્રમાં 164 લોકોના મોત, 100 લોકો ગુમ

26 July, 2021 04:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં વરસાદે ભારે કહેર મચાવ્યો છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 164 લોકોના મોત થયા છે. જ્યારે 100 લોકો ગુમ છે. બચાવ ટીમ દ્વારા હજી કામગીરી શરૂ છે.

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં બચાવ કામગીરી (તસવીરઃ PTI)

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 164 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 100 લોકો હજી ગુમ છે. રાહત અને બચાવ ટીમો દ્વારા ઇજાગ્રસ્ત 56 લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

875 ગામો અસરગ્રસ્ત

મુશળધાર વરસાદથી કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુનાના કુલ 875 ગામોને અસર થઈ છે. રત્નાગિરી જિલ્લાના ચિપલુણ શહેરમાં પૂરથી પીડિત પાંચ રાહત શિબિરો ગોઠવવામાં આવી છે. એનડીઆરએફની 25 ટીમો, એસડીઆરએફની ચાર ટીમો, કોસ્ટગાર્ડની બે ટીમો, નેવીની પાંચ ટીમો અને આર્મીની ત્રણ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. રાજ્ય સરકારે રાયગડ અને રત્નાગિરી જિલ્લાઓને પ્રત્યેક 2 કરોડની કટોકટી આર્થિક સહાય પૂરી પાડી છે. સતારા, સાંગલી, પુના, કોલ્હાપુર, થાણે અને સિંધુદુર્ગને પણ પ્રત્યેકને 50-50 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

ગઈકાલે રવિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પૂરગ્રસ્ત ચિપલૂણની ​​મુલાકાત લીધી હતી અને રહીશો, વેપારીઓ અને દુકાનદારો સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રદેશમાં સામાન્યતાને પુનર્સ્થાપિત કરવા રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાનું વચન આપ્યું હતું. ઠાકરેએ કહ્યું કે તેમને "લાંબા ગાળાની રાહત માટે કેન્દ્રીય સહાયની જરૂર પડશે". આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થયુ છે, જેમાં રાયગઢ જિલ્લાના તાલિએ ગામમાં સૌથી ભયાનક ભૂસ્ખલન થયુ હતુ. 

 નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે પૂરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે સોમવારે સાંગલી જિલ્લાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને નૌકા દ્વારા કેટલાક વિસ્તારોમાં પૂર પીડિતો સુધી પહોંચ્યા હતા. પવારે પૂરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી અને તેમને પુનર્વસન અને રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી હતી. રાજ્યના જળ સંસાધન મંત્રી જયંત પાટિલ, રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવાર અને રાજ્યમંત્રી વિશ્વજીત કદમ તેમની અસર વખતે પૂરગ્રસ્ત જિલ્લાના ભીલવાડી અને અન્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન પવાર સાથે હતા. આ લોકો બોટ દ્વારા ભિલવાડીમાં રહિશો સુધી પહોંચ્યા હતા.

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પવાર પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા બેઠક કરશે. આ દરમિયાન ઇર્વિન પુલ પર કૃષ્ણ નદીનું પાણીનું સ્તર ખુબ ઉંચે પહોંચ્યુ હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સતારા જિલ્લાના પાટણમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. નોંધપાત્ર વાત એ છે કે ગત અઠવાડિયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલન થયું હતું.

mumbai maharashtra mumbai rains raigad ratnagiri