15 October, 2025 09:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભારત અને મૉન્ગોલિયાની સંયુક્ત પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડવામાં આવી હતી જેમાં બન્ને દેશોની સંસ્કૃતિ છલકાય છે.
મૉન્ગોલિયાના રાષ્ટ્રપતિ હુરેલસુખ ચાર દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળ્યા હતા. મૉન્ગોલિયા સાથેના ૭૦ વર્ષના સંબંધોની ઍનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે બન્નેએ સંયુક્ત રીતે એક વૃક્ષ દિલ્હીના હૈદરાબાદ હાઉસના આંગણામાં રોપ્યું હતું.
મૉન્ગોલિયાએ ભારતને યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલમાં પર્મનન્ટ મેમ્બરશિપ માટેનું સમર્થન આપ્યું હતું તો બીજી તરફ ભારત હવે મૉન્ગોલિયા વચ્ચે જૉઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ થકી આર્મીને ટ્રેઇનિંગ આપશે. બે દેશોના રાજકીય સંબંધોની સ્થાપનાની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડવામાં આવી હતી જેના પર બન્ને દેશોની સમૃદ્ધ નૃત્ય પરંપરાઓનું નિરૂપણ થયું છે. ભારતીય પારંપરિક રામલીલા અને મૉન્ગોલિયાના નૃત્ય બિયેલગેનું ચિત્રણ આ સ્ટૅમ્પમાં છે.
મૉન્ગોલિયા કેમ મહત્ત્વનું?
ચીન અને રશિયા એમ બે મહાશક્તિઓની વચ્ચે મૉન્ગોલિયા આવ્યો છે જે ક્ષેત્ર-સુરક્ષા અને ખનિજ સંસાધનોનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. ભારતનો મૉન્ગોલિયા સાથેનો મજબૂત સંબંધ ચીન સાથેના સ્ટ્રૅટેજિક સંબંધોમાં સંતુલન લાવવામાં મદદરૂપ થશે. મૉન્ગોલિયામાં ભારે માત્રામાં કોલસો, તાંબું અને દુર્લભ ધાતુઓ છે. ભારતે ખનિજો માટે મૉન્ગોલિયા સાથે કરાર કર્યા છે જેથી ચીન પરથી નિર્ભરતા ઘટાડી શકાય.