07 July, 2025 08:59 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
હિમાચલ પ્રદેશમાં પૂરમાં આખો પરિવાર તણાઈ ગયો, માત્ર ૧૧ મહિનાની નિકિતા બચી ગઈ
હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂને રાત્રે આવેલા ભયાનક પૂરે મંડી જિલ્લાના સેરાજ વિધાનસભા ક્ષેત્રના પરવારા પંચાયતના તલવાર ગામની ૧૧ મહિનાની બાળકી નિકિતાના જીવનની બધી ખુશીઓ છીનવી લીધી હતી અને એક વર્ષથી ઓછી ઉંમરે તે અનાથ બની ગઈ હતી. એ રાત્રે વાદળ ફાટવાની ઘટના બાદ ઘરમાં પાણી ઘૂસવા લાગ્યું ત્યારે નિકિતાના ૩૧ વર્ષના પિતા રમેશકુમાર પાણીનો પ્રવાહ બીજી તરફ વાળવા માટે ઘરની બહાર ગયા. તેમની પાછળ નિકિતાની ૨૪ વર્ષની માતા રાધાદેવી અને ૫૯ વર્ષની દાદી પૂર્ણુદેવી પણ બહાર ગયાં. જોકે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને ત્રણેય જણ તણાઈ ગયાં હતાં. એ સમયે નિકિતા ઘરની અંદર સૂતી હતી. બાદમાં પાડોશીઓએ તેને ઘરમાં એકલી રડતી જોઈને તેમણે તેના સંબંધીઓને જાણ કરી હતી. પોલીસને નિકિતાના પિતાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે તેની માતા અને દાદી હજી પણ ગુમ છે.
આ સંદર્ભમાં ગોહરનાં સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (SDM) સ્મૃતિકા નેગીએ જણાવ્યું હતું કે ‘લોકો નિકિતાને દત્તક લેવા માટે સતત સંપર્ક કરી રહ્યા છે. મને વ્યક્તિગત રીતે એવા લોકો તરફથી ફોન પણ આવી રહ્યા છે જેઓ નિકિતાને દત્તક લેવા માગે છે. નિકિતા ખૂબ જ મીઠી છોકરી છે અને જ્યારે પણ હું આ વિસ્તારમાં આવું છું ત્યારે તેને મળવા અને તેની સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. હાલમાં નિકિતા તેની કાકી તારાદેવી સાથે રહે છે.’