06 December, 2025 09:37 AM IST | Jodhpur | Gujarati Mid-day Correspondent
તેમની ઓળખ અનિલ કટારિયા અને હરીશ દેવાણી તરીકે થઈ છે
રાજસ્થાનના જોધપુરના બે ઉદ્યોગપતિઓ પરિવાર સાથે થાઇલૅન્ડમાં વેકેશન માણી રહ્યા હતા ત્યારે પહેલી ડિસેમ્બરે હોટેલના સ્વિમિંગ-પૂલમાં મળી આવ્યા બાદ તેમણે રહસ્યમય સંજોગોમાં જીવ ગુમાવ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમની ઓળખ અનિલ કટારિયા અને હરીશ દેવાણી તરીકે થઈ છે. બન્ને તેમની પત્નીઓ અને બાળકો સાથે ફરવા ગયા હતા.
પ્રાથમિક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેઉ સાથે પૂલમાં તરવા માટે ઊતર્યા હશે અને એક ડૂબવા લાગ્યો હશે ત્યારે તેને બચાવવાના પ્રયાસમાં બીજાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હશે. જોકે ઘટનાક્રમની ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી.
તેઓ જ્યારે લગભગ ૯૦ મિનિટ સુધી તેમની રૂમમાં પાછા ફર્યા નહીં ત્યારે તેમની પત્નીઓએ તેમને શોધવાનું શરૂ કર્યું હતું અને હોટેલના સ્ટાફને જાણ કરી હતી. હોટેલના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં તેઓ બન્ને પૂલમાં સ્ટ્રગલ કરી રહ્યા હોવાનું દેખાય છે. થોડા સમય પછી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.