22 November, 2025 08:43 AM IST | Jammu | Gujarati Mid-day Correspondent
જમ્મુમાં વિરોધ-પ્રદર્શન
શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એક્સેલન્સની પહેલી પ્રવેશયાદી રદ કરવાની માગણી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંલગ્ન સંગઠનોએ જમ્મુમાં વિરોધ-પ્રદર્શન શરૂ કર્યાં હતાં, કારણ કે પ્રવેશ મેળવનારા ૯૦ ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જમ્મુ અને કાશ્મીર પ્રમુખ રાજેશ ગુપ્તાએ એને કૉલેજનું ઇસ્લામીકરણ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે ૨૦૨૫-’૨૬ના સત્ર માટે પ્રવેશ સ્થગિત રાખવો જોઈએ અને મૅનેજમેન્ટે પોતાની ભૂલ સુધારવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આગામી સત્ર માટે પસંદ કરાયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ હિન્દુઓ હોય.
બજરંગ દળના જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ રાકેશ બજરંગીએ કહ્યું હતું કે આ મેડિકલ કૉલેજ વૈષ્ણોદેવી મંદિરના દાનથી બનાવવામાં આવી હોવાથી હિન્દુ વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખવી જોઈએ.
જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઑફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ (JKBOPEE)એ વૈષ્ણોદેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે ૫૦ ઉમેદવારોની યાદી પાસ કર્યા પછી વિરોધ ફાટી નીકળ્યો હતો, જેમાંથી ૪૨ કાશ્મીરના અને ૮ જમ્મુના હતા.