ઉજ્જૈનમાં ૧૭૦ વર્ષ જૂના હનુમાન મંદિરને તો તોડ્યું, પણ મૂર્તિ ખસતી નથી

08 September, 2026 10:37 AM IST  |  ujjain | Gujarati Mid-day Correspondent

પ્રતિમાને સુરક્ષિત રીતે દૂર કરવા માટે ખાસ વૈજ્ઞાનિક પરીક્ષણ અથવા સ્કૅનિંગ જરૂરી છે, નહીં તો એને નુકસાન થઈ શકે છે.

બજરંગબલીની મૂર્તિ

ઉજ્જૈન શહેરમાં ૧૭૦ વર્ષ પ્રાચીન ‘ખડે હનુમાન મંદિર’ને હટાવવા પહોંચેલી સુધરાઈની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. કંઠાલથી છત્રી ચોક સુધીનો રસ્તો પહોળો કરવાને કારણે આ ઐતિહાસિક મંદિરને વિસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુધરાઈના કર્મચારીઓએ શુક્રવારે મંદિરનો બહારનો ભાગ તોડી નાખ્યો છે, પરંતુ જ્યારે હનુમાનજીની મુખ્ય પ્રતિમાને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અે અેની જગ્યાએથી ખસી નહોતી.

પ્રારંભિક કાર્યવાહી પછી જ્યારે બજરંગબલીની મૂર્તિને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પુરાતત્ત્વ વિભાગની ટીમે હસ્તક્ષેપ કર્યો હતો. નિષ્ણાતોની ચેતવણીને પગલે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રાચીન મૂર્તિને ખસેડવા અથવા દૂર કરવાનો કોઈ પણ પ્રયાસ અેમાં ઊંડી તિરાડો પાડી શકે છે. આમ મંદિરની બાહ્ય રચનાને તોડી શકાય છે પણ આ ચમત્કારિક મૂર્તિને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના દૂર કરવી પ્રશાસન માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની છે.

નિષ્ણાતો અને પુરાતત્ત્વવિદોએ કહ્યું છે કે પ્રતિમાને સુરક્ષિત રીતે દૂર કરવા માટે ખાસ વૈજ્ઞાનિક પરીક્ષણ અથવા સ્કૅનિંગ જરૂરી છે, નહીં તો એને નુકસાન થઈ શકે છે.

કેટલાક પુરાતત્ત્વવિદો એવું પણ અનુમાન કરે છે કે આ પ્રતિમા માલવાના બેસાલ્ટ પથ્થરથી બનેલી પ્રાચીન પરમાર અથવા રાજા ભોજ કાળની પરંપરા સાથે સંબંધિત હોઈ શકે છે. ૧૮૫૬-૫૭માં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. મંદિરના બાહ્ય ભાગને તોડી પાડ્યા બાદ હાલમાં મૂર્તિની ઉપર ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેથી મૂર્તિ સુરક્ષિત રાખી શકાય.

national news india ujjain religious places