વોટર-કાર્ડમાં મહિલા લખેલું હોવાથી પુરુષે એવાં જ કપડાં પહેરીને મત આપ્યો

29 April, 2024 08:04 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરલામાં ચૂંટણીપંચની ભૂલનો અનોખો વિરોધ

રાજેન્દ્ર પ્રસાદ

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વખતે કેરલામાં એક અનોખી ઘટના બહાર આવી હતી. ચૂંટણીપંચે આપેલા ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC-વોટર કાર્ડ) એટલે કે વોટર-કાર્ડમાં ૭૮ વર્ષના રાજેન્દ્ર પ્રસાદ નામના મતદાતાની જાતિ પુરુષને બદલે સ્ત્રી દર્શાવવામાં આવી હતી અને તેથી કોલ્લમના એક મતદાનબૂથમાં આ મહાશય પાડોશીની પાસેથી લાવેલી મૅક્સી, એક શાલ, હાર, કાનમાં ઝૂમખાં અને ગૉગલ્સ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરવા આવેલા લોકો તેમની સામે જોતા જ રહી ગયા હતા. મતદાન બાદ વાઇરલ થયેલા એક ​વિડિયોમાં રાજેન્દ્ર પ્રસાદ એમ બોલતાં સંભળાય છે કે ‘મેં એક મહિલા તરીકે મારો મત આપ્યો છે. સુપ્રીમ કોર્ટની જેમ ચૂંટણીપંચ પણ દેશની એક સર્વોચ્ચ સંસ્થા છે અને એનો વિરોધ કરી શકાય નહીં. જો ચૂંટણીપંચ એમ કહે કે હું એક મહિલા છું તો હું મહિલા છું. આવા સમયે એમનો વિરોધ કરાય નહીં અને તેથી જ મેં એક મહિલા તરીકે લોકસભાની ચૂંટણીમાં મારો મત આપ્યો છે.’

Lok Sabha Election 2024 kerala national news india