રામ મંદિરથી રાષ્ટ્રપતિભવન સુધી : દરેક લૅન્ડમાર્ક પર મેડ ઇન મધ્ય પ્રદેશ વૈદિક ઘડિયાળ લગાવવામાં આવશે

09 May, 2026 12:55 PM IST  |  Kashi | Gujarati Mid-day Correspondent

આ ઘડિયાળ હવે સોમનાથ મંદિર અને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં લગાવવામાં આવશે; ત્યાર બાદ તમામ જ્યોતિર્લિંગ અને પછી અયોધ્યામાં રામ મંદિર, સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાં પણ લગાવવામાં આવશે

૨૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશીની મુલાકાત દરમ્યાન આ ઘડિયાળની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરમાં રજૂ કરાયેલી વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની સફળતા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશભરનાં તમામ મુખ્ય મંદિરો અને સરકારી સ્મારકોમાં હવે આ ઘડિયાળ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાનના સાંસ્કૃતિક સલાહકાર શ્રીરામ તિવારીએ જણાવ્યું હતું કે ‘આ યોજના માટે બ્લુપ્રિન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આ ઘડિયાળો દેશભરનાં તમામ ૧૨ જ્યોતિર્લિંગો પર સ્થાપિત કરવામાં આવશે. કાશી પછી ગુજરાતનું સોમનાથ મંદિર અને ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર આગામી ક્રમમાં છે. આ પછી આ ઘડિયાળો દેશભરનાં મુખ્ય મંદિરોમાં પણ સમય દર્શાવશે. એમાં અયોધ્યામાં રામ મંદિર, સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)નો સમાવેશ થાય છે.’

સોશ્યલ મીડિયા પર વિક્રમનું આકર્ષણ

૨૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશીની મુલાકાત દરમ્યાન આ ઘડિયાળની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. #Vikramotsav_Varanasi માઇક્રોબ્લૉગિંગ સાઇટ X પર ટોચના ટ્રેન્ડમાં હતી. વૈદિક ઘડિયાળને લગતા હૅશટૅગને લાખો વ્યુઝ મળ્યા હતા જે દર્શાવે છે કે આજની યુવા પેઢી પણ તેમની સનાતન સંસ્કૃતિ અને પ્રાચીન સમયગણના પ્રણાલીમાં ખૂબ રસ ધરાવે છે.

આ ઘડિયાળમાં શું ખાસ છે?

આ ઘડિયાળ વિશ્વની પ્રમાણભૂત ૨૪ કલાક ઘડિયાળ-પ્રણાલીથી સંપૂર્ણપણે અલગ છે. એમાં દિવસ મધ્યરાત્રિએ નહીં પરંતુ સૂર્યોદય સમયે શરૂ થાય છે.

મધ્ય પ્રદેશની ભેટ છે

આ વૈદિક ઘડિયાળ સંપૂર્ણપણે મધ્ય પ્રદેશમાં ડિઝાઇન કરીને વિકસાવવામાં આવી છે. હાલમાં આવી ઘડિયાળો ઉજ્જૈન શહેર, ભોપાલમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં કાર્યરત છે. સરકારનો હેતુ ‘ભારતનો સમય - પૃથ્વીનો સમય’ થીમ સાથે આ પ્રાચીન ભારતીય જ્ઞાનને દરેક ઘરમાં ફેલાવવાનો છે.

kashi vishwanath temple somnath temple kedarnath badrinath hinduism narendra modi national news