સૅન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના પૅસેન્જરોને કલકત્તામાં ઉતાારી દેવાયા

18 June, 2025 01:09 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

સવારે ૫.૨૦ વાગ્યે ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવીને પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી અમુક પ્રવાસીઓની મુંબઈથી આગળ કનેક્ટિંગ ફ્લાઇટ પણ હતી.

ગઈ કાલે કલકત્તા ઍરપોર્ટ પર સૅન ફ્રાન્સિસ્કોથી આવેલું પ્લેન અને એમાંથી ઊતરતા પૅસેન્જરો.

સૅન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી AI-180 ફ્લાઇટને કલકત્તા ઍરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. આ ફ્લાઇટનો સ્ટૉપઓવર કલકત્તામાં હતો. ત્યાં ફ્લાઇટ લૅન્ડ થયા પછી સામાન્ય રીતે જે તપાસ કરવામાં આવે છે એમાં ફ્લાઇટની ડાબી બાજુના એન્જિનમાં ખામી જણાઈ હતી એથી કલકત્તાથી મુંબઈ આવવા માટેની ફ્લાઇટ રવાના કરવામાં નહોતી આવી અને એને કારણે તમામ ૨૧૧ પ્રવાસીઓને આખી રાત હેરાનગતિ થઈ હતી.

ગઈ કાલે કલકત્તા ઍરપોર્ટ પર ઍર ઇન્ડિયાની સૅન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટના પૅસેન્જરોને ઉતારી મૂકવામાં આવ્યા હતા.

સોમવારે મોડી રાતે ૧૨.૪૫ વાગ્યે ફ્લાઇટ કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચી હતી. સૅન ફ્રાન્સિસ્કોથી એક કલાક મોડી નીકળ્યા છતાં ફ્લાઇટ સમયસર કલકત્તા પહોંચી ગઈ હતી. જોકે ત્યાંથી રાતે બે વાગ્યે ફ્લાઇટ મુંબઈ આવવા નીકળવાની હતી, પરંતુ ૨.૪૦ વાગ્યે પ્રવાસીઓને જાણ કરવામાં આવી કે ફ્લાઇટના એન્જિનનું સમારકામ પૂરું થતાં ૨૫ મિનિટ બાદ ફ્લાઇટ ઊપડશે, પરંતુ પરોઢિયે ૪.૨૦ વાગ્યે પણ પ્રવાસીઓને વધુ ૧૫-૨૦ મિનિટ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આખરે સવારે ૫.૨૦ વાગ્યે ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવીને પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી અમુક પ્રવાસીઓની મુંબઈથી આગળ કનેક્ટિંગ ફ્લાઇટ પણ હતી.

અમુક પ્રવાસીઓને મુંબઈની અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘણા પ્રવાસીઓ માટે ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી તેમણે હોટેલમાં રોકાવું પડ્યું હતું.

news national news san francisco kolkata airlines news air india