ઍર ઇન્ડિયાનો ગજબ ગોટાળો

22 March, 2026 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ કલાક ઊડીને ચીન પહોંચતાં ખબર પડી કે દિલ્હીથી કૅનેડા મોકલેલું પ્લેન ખોટા મૉડલનું હતું, પાછું દિલ્હી લાવવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

૪ કલાક ઊડીને ચીન પહોંચતાં ખબર પડી કે દિલ્હીથી કૅનેડા મોકલેલું પ્લેન ખોટા મૉડલનું હતું, પાછું દિલ્હી લાવવામાં આવ્યું: કુલ ૮ કલાકના ઉડ્ડયનનો વેડફાટ

ઍર ઇન્ડિયાની ગુરુવારે દિલ્હીથી કૅનેડાના વૅનકુવર જતી ફ્લાઇટ AI-185ને ટેકઑફ કર્યાના લગભગ ૮ કલાક પછી દિલ્હી પાછા ફરવાની ફરજ પડી હતી. વિમાનમાં ૩૦૦થી વધુ મુસાફરો હતા. વિમાન પાછા વાળવાનું કારણ ટેક્નિકલ સમસ્યા નહોતું પણ ખોટા મૉડલનું વિમાન મોકલવાનું હતું.

ગુરુવારે ઍર ઇન્ડિયાએ બોઇંગ 777-300 ER (એક્સ્ટેન્ડેડ રેન્જ)ને બદલે દિલ્હીથી બોઇંગ 777-200 LR (લૉન્ગ રેન્જ) મૉડલનું વિમાન કૅનેડા મોકલ્યું હતું. ઍર ઇન્ડિયા પાસે કૅનેડામાં બોઇંગ 777-200 LR ચલાવવાની પરવાનગી નથી. આ કારણે આ વિમાન કૅનેડામાં ઊતરી શકતું નથી. આ વિમાન લગભગ ૪ કલાક ઉડાન ભરીને ચીનના કુનમિંગ હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યું ત્યારે ભૂલ પ્રકાશમાં આવી હતી અને પછી વિમાનને યુ-ટર્ન લેવો પડ્યો હતો. ફ્લાઇટે ગુરુવારે સવારે ૧૧.૩૪ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી અને સાંજે ૭.૧૯ વાગ્યે દિલ્હી પાછી આવી હતી. 

ઍર ઇન્ડિયાએ આ ઘટનાને ઑપરેશનલ સમસ્યા ગણાવી હતી અને જણાવ્યું હતું કે બધા મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત હતા. મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી અને બીજા દિવસે ૨૦ માર્ચે સવારે બીજી ફ્લાઇટમાં તમામ મુસાફરો વૅનકુવર જવા રવાના થયા હતા.

national news india air india canada china