11 April, 2026 09:58 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કલકત્તામાં BJPનો ચૂંટણીઢંઢેરો રિલીઝ કરતા અમિત શાહ
પશ્ચિમ બંગાળમાં વિપક્ષી પાર્ટીએ તૃણમૂલ કૉન્ગ્રેસ સામે પોતાના ચૂંટણીવાયદાઓનો પટારો ગઈ કાલે ખોલી નાખ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો અને રાજ્યને ‘સોનાર બાંગ્લા’ બનાવવાનું વચન આપ્યું હતું. ચૂંટણીમાં મહિલાઓ અને લોકોને કરવામાં આવતી સીધી સહાય અસરકારક હોય છે એ વાત માનતી BJPએ તૃણમૂલ કૉન્ગ્રેસે મતદારોને આપેલા રેવડીના વચનથી બમણી રકમની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં BJP જો જીતશે તો મહિલાઓને ૩૦૦૦ રૂપિયા આપશે, જે TMC કરતાં બમણી રકમ છે. BJPએ મહિલાઓ અને યુવાનોની વોટ-બૅન્કને સાચવવા માટે બેરોજગાર યુવાનોને પણ કૅશ બેનિફિટનો વાયદો કર્યો છે. શિક્ષિત બેરોજગારોને પણ મહિને ૩૦૦૦ રૂપિયાનો લાભ મળશે. ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે ‘આ ઠાલાં વચનો નથી. આને બંગાળની જનતાએ ભરોસાપત્ર સમજવું. અમારો આ સંકલ્પપત્ર છે અને એના થકી અમે સોનાર બાગ્લાનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈ રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે બંગાળની જનતા અમારા સંકલ્પપત્ર પર ભરોસો મૂકીને અમને પાંચ વર્ષ માટે લોકોની સેવા કરવાનો મોકો જરૂર આપશે.’
અમારી સરકાર ઘૂસણખોરો સામે ઝીરો ટૉલરન્સ નીતિ પર આગળ વધશે. એમ કરીને બંગાળને સુરક્ષિત બનાવવાનું કામ કરીશું.
સરકાર બનવાના ૪૫ દિવસની અંદર સાતમું પગારપંચ લાગુ કરવામાં આવશે.
એકથી પાંચ તારીખની વચ્ચે દર મહિને દરેક માતાના ખાતામાં ૩૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરીશું.
શિક્ષિત બેરોજગાર યુવાનોને મહિને ૩૦૦૦ રૂપિયાની સહાય આપીશું.
એક કરોડ સ્વરોજગાર અને રોજગારના અવસરો ઊભા કરીશું.
આયુષ્માન ભારત સહિત તમામ કેન્દ્રીય યોજનાઓ બંગાળમાં પણ લાગુ કરીશું.
છ મહિનાની અંદર યુનિફૉર્મ સિવલ કોડ લાગુ કરીશું.
પહેલા ૧૦૦ દિવસમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસનો રોડમૅપ બનાવીશું અને એમાં દાર્જીલિંગની ચાને વિશ્વપ્રસિદ્ધ કરીશું.
પોલીસ સહિત રાજ્યની તમામ નોકરીઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત રાખીશું.
બંગાળની સંસ્કૃતિને પૂરા દેશમાં ફેલાવવા માટે અહીં ‘વંદે માતરમ મ્યુઝિયમ’ બનાવીશું.