૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

25 June, 2022 12:20 PM IST  |  New Delhi | Agency

પાકિસ્તાન સરકારે આ પહેલાં અનેક વખત દાવો કર્યો હતો કે સાજિદ મીર ઉર્ફે સાજિદ માજિદ થોડા સમય પહેલાં માર્યો ગયો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ૨૦૦૮માં થયેલા હુમલાઓના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તય્યબાના ટોચના આતંકવાદી સાજિદ મીરની ધરપકડ કરવામાં આવી છે અને તેને આ વર્ષે આઠ વર્ષની સજા કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે પાકિસ્તાન સરકારે આ પહેલાં અનેક વખત દાવો કર્યો હતો કે સાજિદ મીર ઉર્ફે સાજિદ માજિદ થોડા સમય પહેલાં માર્યો ગયો છે. જોકે પશ્ચિમી દેશોએ સાજિદ મીરના મૃત્યુનો પુરાવો રજૂ કરવા પાકિસ્તાન પર ખૂબ દબાણ કર્યા બાદ આ નવી માહિતી બહાર આવી છે. 
આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાના નેટવર્કને તોડી પાડવાની પાકિસ્તાનની કામગીરીના મૂલ્યાંકન દરમ્યાન ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે પણ પશ્ચિમી દેશોના અધિકારીઓ સાજિદ મીરનો મામલો ઉઠાવતા હતા ત્યારે પાકિસ્તાન હંમેશાં દાવો કરતું હતું કે મીર માર્યો ગયો છે. ગયા વર્ષના અંતે ફૉરેન્સિક ઑડિટ અને સાજિદ મીરના મૃત્યુના સમય અને સ્થળની વિગતો પૂરી પાડવા પાકિસ્તાન પર ફરી પ્રેશર વધવા લાગ્યું હતું. 
૧૪થી ૧૭ જૂન દરમ્યાન ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની મીટિંગ બર્લિનમાં યોજાઈ એ પહેલાં પાકિસ્તાની ઑથોરિટીઝે પશ્ચિમી દેશોના અધિકારીઓને જણાવ્યું હતું કે મીરની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને એક કેસમાં સુનાવણી પછી આઠ વર્ષની સજા કરવામાં આવી હતી.
આ મામલે ભારતીય અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. હજી એ પણ જાણકારી નથી કે, તેને દિવાની અદાલત દ્વારા સજા અપાઈ છે કે, ફોજદારી અદાલત દ્વારા. 

national news mumbai mumbai news