આસારામ બાપૂના વચગાળાના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, રાજસ્થાન સરકારને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ

17 July, 2026 07:22 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Online Correspondent

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપૂની અંતરિમ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે રાજસ્થાન સરકારને તેમની હાલની મેડિકલ સ્થિતિ અંગેનો રિપોર્ટ 21 જુલાઈ સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.

આસારામ બાપુ (સૌજન્ય : મિડ-ડે)

જોધપુરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપૂના વચગાળાના જામીન અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આસારામે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને થોડા સમય માટે જામીન આપવા અપીલ કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને આસારામના તાજી મેડિકલ સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે જણાવ્યું કે પહેલા એ સ્પષ્ટ થવું જોઈએ કે તેમની તબિયત ખરેખર એટલી ગંભીર છે કે નહીં, જેથી સારવાર માટે વચગાળાના જામીન આપવાની જરૂર પડે. રાજસ્થાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે હાલ આસારામના તબિયત સામાન્ય રીતે સ્થિર છે. લગભગ ત્રણ મહિના પહેલાં આસારામ અયોધ્યા અને કાશી વિશ્વનાથની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે પગપાળા ફરીને દર્શન પણ કર્યા હતા. જોકે સરકારે કહ્યું કે હવે નવી મેડિકલ તપાસ કરાવીને હાલના રિપોર્ટને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનું રાજસ્થાન સરકારને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું કે જો મેડિકલ રિપોર્ટમાં આસારામના તબિયત ગંભીર હોવાનું સામે આવશે તો કોર્ટ ઇચ્છતી નથી કે તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને. જો સારવાર માટે જરૂર પડશે તો માત્ર સારવારના હેતુસર મર્યાદિત સમય માટે વચગાળાના જામીન આપવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. કોર્ટે રાજસ્થાન સરકારને 21 જુલાઈ સુધીમાં પોતાનો જવાબ અને મેડિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારનો રિપોર્ટ મળ્યા બાદ જ આસારામના વચગાળાના જામીન અરજી પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આસારામ કેસમાં અત્યાર સુધી શું થયું?

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં જોધપુર સ્થિત પોતાના આશ્રમમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ કરવાના આક્ષેપમાં આસારામ બાપૂની 1 સપ્ટેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કેસની લાંબી સુનાવણી બાદ એપ્રિલ 2018માં જોધપુરની વિશેષ પોક્સો અદાલતે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તેઓ રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ દરમિયાન તેમણે અનેક વખત સ્વાસ્થ્યના કારણોસર જામીન અથવા વચગાળાના જામીન માટે વિવિધ અદાલતોમાં અરજીઓ કરી છે. કેટલીક વખત તેમને મર્યાદિત સમય માટે સારવાર માટે રાહત મળી હતી, જ્યારે કેટલીક અરજીઓ નામંજૂર પણ થઈ હતી. હાલ ફરી એક વખત તેમણે ખરાબ તબિયતનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીનની માગ કરી છે. હવે રાજસ્થાન સરકાર દ્વારા રજૂ થનારી તાજી મેડિકલ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે સારવાર માટે તેમને મર્યાદિત સમયની વચગાળાના જામીન આપવી કે નહીં. સરકારનો જવાબ અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

asaram bapu Protection of Children from Sexual Offences Act POCSO sexual crime Crime News jodhpur supreme court medical information rajasthan news national news