સ્વચ્છતા જળવાય એ માટે આસામના તિનસુકિયામાં અનોખી પહેલ

14 February, 2026 09:01 AM IST  |  Tinsukia | Gujarati Mid-day Correspondent

અહીં જે કોઈ જાહેરમાં કચરો ફેંકે એનો ફોટો‍ સાર્વજનિક LED સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

આસામના તિનસુકિયા શહેરમાં જાહેરમાં કચરો નાખનારા લોકોની તસવીરો સાર્વજનિક સ્થળો પર લગાવવામાં આવેલી વિશાળ લાઇટ-એમિટિંગ ડાયોડ (LED) સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. આ શહેરના વાઇરલ થયેલા વિડિયો દર્શાવે છે કે આ શહેર કચરો ફેંકનારાઓની જાહેરમાં કેવી રીતે ફજેતી કરે છે. કચરાવિરોધી આ અભિયાને લોકોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરી દીધા છે.
તિનસુકિયા સુધરાઈએ રસ્તાની બાજુમાં ડિજિટલ સ્ક્રીનો લગાવી છે અને એના પર જાહેર જગ્યાઓમાં કચરો ફેંકતા પકડાયેલા લોકોનાં વિઝ્યુઅલ્સ પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે. આ પહેલનો હેતુ જાહેર જવાબદારીના તત્ત્વને રજૂ કરીને લોકોને જાહેરમાં કચરો ફેંકતાં રોકવાનો છે.

સુધરાઈએ એક અપીલ કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘સ્વચ્છતા જાળવવી સહિયારી નાગરી ફરજ છે. તિનસુકિયામાં આપનું સ્વાગત છે, જ્યાં હવે રસ્તા પર કચરો ફેંકવાથી તમને તાત્કાલિક ખ્યાતિ મળી શકે છે. કોઈ ઑડિશન નહીં, કોઈ પ્રતિભા નહીં, કોઈ ફિલ્ટર નહીં. ફક્ત તમે કચરો ગમે ત્યાં ફેંકો અને અમે તમને તિનસુકિયા સુધરાઈ દ્વારા લગાવવામાં આવેલા મોટા પડદા પર પ્રસિદ્ધિ આપીશું.’

આ પહેલ વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા યુઝર્સે સુધરાઈની પ્રશંસા કરી છે, જ્યારે અન્ય લોકોએ સવાલ કર્યો છે કે શું કચરો ફેંકનારાઓની તસવીરો આવી રીતે જાહેરમાં બતાવવી યોગ્ય છે? જોકે તિનસુકિયાના પ્રયોગે ધ્યાન ખેંચ્યું છે. સ્વચ્છતાની આદતો માટે આ ઝુંબેશ અસરકારક સાબિત થાય છે કે કેમ એ જોવાનું બાકી છે. જોકે શહેરે ચોક્કસપણે લોકોને સ્ક્રીન અને તેમની આસપાસના વાતાવરણ બન્ને તરફ બે વાર જોવા માટે મજબૂર કર્યા છે.

assam swachh bharat abhiyan national news news