01 September, 2026 12:48 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વિમાની બળતણ (Aviation Turbine Fuel) ના ભાવમાં સતત બીજા મહિને વધારો થતાં હવાઈ મુસાફરીના ભાડા પર ફરી દબાણ આવી શકે છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના દરમાં ૫.૪૬ ટકાનો વધારો થતાં નવી કિંમત રુપિયા ૧૨૧.૨૮ પ્રતિ લિટર પહોંચી ગઈ છે. વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આ ભાવવધારાના કારણે સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ પર આર્થિક બોજ વધ્યો છે.
સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજથી, એટલે કે ૧ સપ્ટેમ્બરથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પ્રતિ લિટર રુપિયા ૬.૨૮, એટલે ૫.૪૬ ટકાનો વધારો (ATF Price Hike) કરવામાં આવતાં સ્થાનિક એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થયો છે. આ સુધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં વિમાની બળતણનો ભાવ રુપિયા ૧૧૫.૦૦ થી વધીને રુપિયા ૧૨૧.૨૮ પ્રતિ લિટર થયો છે, જે સ્થાનિક એરલાઇન્સ માટે સતત બીજો માસિક વધારો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા અને કાચા તેલની વધતી કિંમતોને કારણે થયો છે. આ પહેલા ઓગસ્ટમાં પણ પ્રતિ લિટર રુપિયા ૫ નો વધારો કરવામાં આવ્યો હતો, જેણે જુલાઈમાં કરાયેલા રુપિયા ૫ ના ઘટાડાની અસરને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતા ભૂ-રાજકીય તણાવ (Middle East Crisis) અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી (Strait of Hormuz) પુરવઠામાં અવરોધની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ડોલર ૯૦ ની નજીક પહોંચી ગયું છે, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (West Texas Intermediate) પ્રતિ બેરલ ડોલર ૮૬ ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
ભારતમાં એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો હિસ્સો આશરે ૩૫ થી ૪૦ ટકા જેટલો હોય છે, જેથી બળતણના ભાવમાં સતત વધારાની સીધી અસર એરલાઇન્સના નફા પર પડે છે. ક્ષેત્રના વિશ્લેષકોના મતે, આ વધારાથી વિમાન ટિકિટના ભાડા પર દબાણ વધશે, પરંતુ આગામી તહેવારોની સીઝન પહેલા ટિકિટના ભાવમાં ફેરફાર ચોક્કસ રૂટ પરની માંગ અને સ્પર્ધા પર નિર્ભર રહેશે.
વધતા ખર્ચ સામે રક્ષણ મેળવવા માટે કેટલીક એરલાઇન્સ વધુ સ્પર્ધાત્મક રૂટ પર વધારાનો ખર્ચ પોતે વહન કરી શકે છે, જ્યારે વધુ માંગ ધરાવતા વિસ્તારોમાં ભાડા વધી શકે છે. બીજી તરફ, સરકારની સ્વૈચ્છિક પ્રાઇસ-સ્ટેબિલાઇઝેશન યોજનામાં સામેલ એરલાઇન્સ રુપિયા ૧૧૫ પ્રતિ લિટરના નિશ્ચિત દરે ઇંધણ મેળવી રહી હોવાથી સુરક્ષિત છે, જ્યારે અન્ય એરલાઇન્સ બજાર આધારિત ભાવે બળતણ ખરીદી રહી છે.
સરકાર અને જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દર પંદર દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સના સરેરાશ ભાવના આધારે એટીએફ સહિતના પેટ્રોલીયમ પદાર્થોના દરોની સમીક્ષા કરે છે.
વિમાની બળતણના દરમાં ફેરફારની સાથે તેલ કંપનીઓએ ૫ કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રુપિયા ૨ નો વધારો કરીને તેને રુપિયા ૭૬૨ થી વધારી રુપિયા ૭૬૪ કર્યો છે. જોકે, ઘરગથ્થુ ગ્રાહકો માટે ૧૪.૨ કિલોના દૈનિક વપરાશના એલપીજી સિલિન્ડરના રિટેલ ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.