બાગેશ્વર ધામમાં વધુ એક અકસ્માત: ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત, ૧૦થી વધુ ઘાયલ

08 July, 2025 10:13 AM IST  |  Chhatarpur | Gujarati Mid-day Online Correspondent

Bageshwar Dham Accident: છતરપુરના બાગેશ્વર ધામમાં મંગળવારે સવારે ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં મિર્ઝાપુરની એક મહિલા ભક્તનું મોત થયું હતું; આ દુર્ઘટનામાં ૧૦થી વધુ લોકો ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના છતરપુર (Chhatarpur) જીલ્લામાં આવેલા પ્રખ્યાત બાગેશ્વર ધામ (Bageshwar Dham)માં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી જ્યારે એક ધર્મશાળાની દિવાલ ધરાશાયી (Bageshwar Dham Accident) થઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું છે અને ૧૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘાયલોની જિલ્લા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક અઠવાડિયામાં તીર્થસ્થળ પર આ બીજી દુર્ઘટના છે.

બાગેશ્વર ધામમાં આજે વહેલી સવારે ધર્મશાળાની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મિર્ઝાપુર (Mirzapur)ની રહેવાસી ૪૦ વર્ષીય અનિતા દેવીનું કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે ૧૦થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા છતરપુર જિલ્લા હોસ્પિટલ (Chhatarpur District Hospital)માં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

છતરપુરના સીએમએચઓ આરપી ગુપ્તા કહે છે કે, સવારે ભારે વરસાદને કારણે બાગેશ્વર ધામના એક ઢાબા પર દિવાલ પડી ગઈ હતી. કાટમાળ નીચે દટાઈ જવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. એકના મોતની માહિતી પણ સામે આવી છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતનું કારણ ભારે વરસાદ હોઈ શકે છે. ભારે વરસાદને કારણે ધર્મશાળાની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે આ ઘટના બની હતી. દસ લોકો ઘાયલ થયા છે. જેમાંથી મોટાભાગના લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. જ્યારે એક-બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. બધાની સારવાર ચાલી રહી છે.

ઘાયલ શ્રદ્ધાળુઓના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, બાગેશ્વર ધામની ધર્મશાળામાં બધા લોકો સૂતા હતા ત્યારે અચાનક દિવાલ તૂટી પડી અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા.

વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. દિવાલના કાટમાળમાંથી બધાને બચાવી લેવામાં આવ્યા છે.

જોકે, બાગેશ્વર ધામમાં આ પહેલી વાર અકસ્માત નથી થયો. આ પહેલા ૩ જુલાઈના રોજ ધામમાં જ શેડ તૂટી પડવાથી એક ભક્તનું મૃત્યુ થયું હતું. મૃતક વ્યક્તિની ઓળખ ૫૦ વર્ષીય શ્યામલાલ કૌશલ તરીકે થઈ હતી, જે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. આ અકસ્માત બાગેશ્વર ધામમાં આરતી દરમિયાન થયો હતો.

તમને જણાવી દઈએ કે, ૧૦ જુલાઈએ ગુરુ પૂર્ણિમા (Guru Purnima) હોવાથી બાગેશ્વર ધામમાં ભક્તોની ભીડ વધી રહી છે. તે જ સમયે, મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં, બાગેશ્વર ધામ સરકાર (Bageshwar Dham Sarkar) આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી (Acharya Dhirendra Krishna Shastri)એ ભક્તોને ઘરે રહીને ગુરુ પૂર્ણિમા ઉજવવાની અપીલ કરી છે.

dhirendra shastri bageshwar baba madhya pradesh national news news