03 July, 2025 08:14 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે ૩૭ નહીં પણ એનાથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ વખતે મૌની અમાવસ્યાના દિવસે ૩૭ લોકોએ સંગમતટે નાસભાગમાં જીવ ગુમાવ્યા હોવાનું ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે, પણ વિદેશની ચૅનલ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC)એ દાવો કર્યો છે કે કુંભમેળામાં ૩૭ નહીં પણ એનાથી વધારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. BBCની તપાસમાં બીજા ૨૬ કેસ છે જ્યાં પોલીસે ઘરે જઈને મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા વળતર તરીકે ચૂકવ્યા છે. જોકે ૧૮ કેસ એવા છે જ્યાં કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી.
નાસભાગ બાદ ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે એણે ૩૫ લોકોના પરિવારોને ૨૫-૨૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધું છે. જીવ ગુમાવનારા ૩૭માંથી એક જણની ઓળખ હજી સુધી થઈ નથી અને બીજાનો કોઈ કાયદેસર વારસદાર નથી.
BBC દ્વારા કરવામાં આવેલી તપાસમાં ૨૬ કેસ એવા મળી આવ્યા છે જેમાં પોલીસે આ પરિવારના લોકોના ઘરે જઈને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા છે. ઘણા કિસ્સાઓમાં અધિકારીઓએ પરિવારો પાસેથી મૃત્યુ માટે સ્વાસ્થ્ય-સમસ્યાઓને જવાબદાર ઠેરવતા દસ્તાવેજો પર સહી કરાવી હતી એવો આક્ષેપ BBCની તપાસમાં કરવામાં આવ્યો છે.
કુંભ અકસ્માત પછીના અઠવાડિયામાં BBCની ટીમના મેમ્બરો ભારતનાં ૧૧ રાજ્યોમાં ૧૦૦થી વધુ પરિવારોને મળ્યા હતા. આ પરિવારોએ દાવો કર્યો હતો કે તેમના સંબંધીઓ કુંભમેળામાં નાસભાગની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેમણે નક્કર પુરાવા સાથે કુલ ૮૨ મૃત્યુની પુષ્ટિ કરી હતી, જેમાં પુરાવાના અભાવના કેસોનો સમાવેશ થતો નથી.