02 July, 2026 11:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બેંગલુરુ (Bengaluru)માં આવેલી જાણીતી આઈટી (IT) કંપની કેપજેમિની (Capgemini)ના એચએએલ (HAL) કેમ્પસમાં ચાલતા ડે-કેયર સેન્ટરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના (Bengaluru Day Care horror) સામે આવી છે. અહીં માત્ર ૨ થી ૩ વર્ષના માસૂમ બાળક સાથે ત્યાંની મહિલા સ્ટાફ દ્વારા ભારે ક્રૂરતા અને ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો ત્યારબાદ કંપનીનું ડે-કેયર સેન્ટર બંધ કરવામાં આવ્યું છે અને પોલીસે પાંચ લોકો સામે એફઆઇઆર નોંધી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વાયરલ થયેલા વીડિયો (Viral Videos)માં જોઈ શકાય છે કે, એક માસૂમ બાળક ટોયલેટની અંદર બંધ છે, તે જમીન પર સૂઈને ધ્રુસકે-ધ્રુસકે રોઈ રહ્યું છે અને ત્યાં હાજર એક મહિલા કિલકિલાટ કરતા બાળકનો વીડિયો બનાવી રહી છે.
અન્ય એક વીડિયોમાં મહિલા સ્ટાફ બાળકને કમોડ (ટોયલેટ સીટ) પર બેસાડીને તેના મોં પર સીધું ટૉયલેટ જેટ સ્પ્રેથી પાણી મારી રહી છે. એટલું જ નહીં, બાળકને ડરાવવા માટે તેને ફ્રન્ટ લોડ વૉશિંગ મશીનના ડ્રમની અંદર બેસાડી દેવામાં આવ્યું છે અને બાળક ડરના માર્યા જોરજોરથી રડી રહ્યું છે. આ કંપારી છૂટી જાય તેવા વીડિયો ૨૯ જૂને વાયરલ થયા હતા.
સેન્ટરની ઓળખ થતાં જ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ૫ મહિલા કેરગિવર્સ (સંભાળ રાખનાર કર્મચારીઓ) એટલે કે આયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા બાળકો સાથે આવું અમાનવીય વર્તન શા માટે કરવામાં આવ્યું છે.
આઈટી કંપની કેપજેમિનીના ડે-કેયર સેન્ટરના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસીપી સૈદુલુ અડાવથે આ મામલે જણાવ્યું હતું કે, આ ડે-કેયર સેન્ટરમાં આવતા બાળકો કેમ્પસમાં જ કામ કરતા આઈટી પ્રોફેશનલ્સના છે, જેમને તેમના માતા-પિતા ફરજ દરમિયાન અહીં મૂકી જતા હતા. વાયરલ વીડિયો જોઈને માતા-પિતા અને કંપનીના અધિકારીઓ બંને સ્તબ્ધ થઈ ગયા છે. બાળકો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે અત્યંત ગંભીર બાબત છે.
પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ડે-કેયર સેન્ટરનું સંચાલન સીધું કેપજેમિની કંપની દ્વારા કરવામાં આવતું હતું કે પછી કેમ્પસની અંદર કોઈ બહારની એજન્સીને તેની જવાબદારી સોંપવામાં આવી હતી.
પોલીસે પાંચેય મહિલા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ સાથે જ કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (Karnataka State Commission for Protection of Child Rights)એ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેઓ અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવીને પોતાની રીતે તપાસ કરશે.
ઘટના સામે આવ્યા બાદ કેપજેમિની કંપનીએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે અને સાવચેતીના ભાગરૂપે બેંગલુરુ સ્થિત આ ઓન-કેમ્પસ ડે-કેયર સેન્ટરને હાલ પૂરતું કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.