26 November, 2025 09:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વિજયલક્ષ્મી આયુર્વેદિક દુકાન
બૅન્ગલોરમાં ૨૯ વર્ષના તેજસ નામના એક સૉફ્ટવેર એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આયુર્વેદિક ડૉક્ટર હોવાનો દાવો કરીને વિજયલક્ષ્મી આયુર્વેદિક દુકાનના માલિક વિજય ગુરુજીએ સેક્સ સંબંધિત સમસ્યાઓની સારવારના નામે હાનિકારક દવાઓ વેચીને તેની સાથે આશરે ૪૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે આખો મામલો?
FIRમાં જણાવવામાં આવ્યા મુજબ તેજસનાં લગ્ન ૨૦૨૩માં થયાં હતાં અને તેને જાતીય સમસ્યાઓ થવા લાગી હતી. તે એક મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આ વર્ષે ત્રીજી મેએ રસ્તા પર ચાલતી વખતે તેણે એક તંબુ જોયો જેમાં જાતીય સમસ્યાઓના તાત્કાલિક ઉકેલોની જાહેરાત કરવામાં આવી હતી. તંબુની અંદર રહેલા એક માણસે તેને કહ્યું કે વિજય ગુરુજી તેને સાજો કરી શકે છે. ગુરુજીએ કથિત રીતે તેની તપાસ કરી અને દેવરાજ બુટી નામની આયુર્વેદિક દવા લખી આપીને દાવો કર્યો કે એ ફક્ત તેના સ્ટોર પર જ ઉપલબ્ધ છે અને એની કિંમત ૧,૬૯,૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ છે.
રોકડમાં ચુકવણી
તેજસને ફક્ત રોકડમાં ચુકવણી કરવાનું અને ઑનલાઇન ચુકવણી ટાળવાનું કહેવામાં આવ્યું હતું. તેણે વિશ્વાસ કરીને દવા ખરીદી હતી અને બાદમાં તેને ભવન બુટી નામનું તેલ આપવામાં આવ્યું હતું જેની કિંમત ૭૬,૦૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ હતી. માત્ર કેટલાંક અઠવાડિયાંમાં તેણે વિજય ગુરુજીના કહેવાથી વિવિધ દવાઓ પર ૧૭ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. પાછળથી તેને વધુ દેવરાજ બુટી ખરીદવા દબાણ કરવામાં આવ્યું અને ચેતવણી આપવામાં આવી હતી કે તે દવા નહીં લે તો અગાઉની સારવાર કામ કરશે નહીં. આ પછી એન્જિનિયરે બૅન્કમાંથી ૨૦ લાખ રૂપિયાની લોન લઈને ૧૮ ગ્રામ આયુર્વેદિક દવા ખરીદી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે તેને બીજી પ્રોડક્ટ દેવરાજ રસબુટી ૨,૬૦,૦૦૦ પ્રતિ ગ્રામના ભાવે ખરીદવા માટે સમજાવવામાં આવ્યો, જેના માટે તેણે એક મિત્ર પાસેથી ૧૦ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. તેણે આ આયુર્વેદિક દુકાનમાંથી આશરે ૪૮ લાખ રૂપિયાની દવા ખરીદી હતી.
કિડની પણ નિષ્ફળ ગઈ
એન્જિનિયરને લખી આપેલી દવાઓ તેણે યોગ્ય રીતે લીધી હોવા છતાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. તેનો એવો આરોપ છે કે તેની કિડની પાછળથી ફેલ થઈ ગઈ હતી. આ થવાનું કારણ આયુર્વેદિક દુકાનમાંથી ખરીદેલી દવાઓ હતી એવો એન્જિનિયરનો દાવો છે. તેણે આ મુદ્દે આ વિજય ગુરુજીને સવાલ કર્યો ત્યારે તેને કથિત રીતે ધમકી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો તે સારવાર બંધ કરશે તો તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે અને તેના જીવને જોખમ થઈ શકે છે.