22 October, 2025 09:06 AM IST | Gaya | Gujarati Mid-day Correspondent
સ્થાનિક પોલીસે અમેઠી ખુર્દ ગામમાં એક ચાવાળાના ઘરે છાપો માર્યો હતો
બિહારના ગોપાલગંજની પોલીસને માહિતી મળી હતી કે અમેઠી ખુર્દ ગામમાં એક ઘરમાં કરોડો રૂપિયા છુપાવી રખાયા છે. આ સૂચનાના આધારે સ્થાનિક પોલીસે અમેઠી ખુર્દ ગામમાં એક ચાવાળાના ઘરે છાપો માર્યો હતો. એ વખતે પોલીસને એક મોટી ટ્રન્કમાં લાખો રૂપિયાની થોકબંધ નોટો મળી હતી. એ રકમ ગણતાં ૧.૦૫ કરોડ રૂપિયાથી વધુ હતી. એની સાથે ૩૫૦ ગ્રામ સોનાનાં ઘરેણાં અને ૧.૭૫ કિલો ચાંદીનાં ઘરેણાં, ૮૫ ATM કાર્ડ, ૭૫ પાસબુક, ૨૮ ચેકબુક, બે આધાર કાર્ડ, ત્રણ મોબાઇલ અને એક લૅપટૉપ મળ્યાં હતાં.
અભિષેક કુમાર અને આદિત્ય કુમાર નામના બે ભાઈઓ સાથે ચાની લારી ચલાવતા હતા. જોકે થોડા સમયથી અભિષેક કુમાર સાઇબર ક્રાઇમના રવાડે ચડી ગયો હતો. જોકે એ પછી તે દુબઈ જતો રહ્યો હતો અને ત્યાંથી સાઇબર ક્રાઇમની ઘટનાઓને કો-ઑર્ડિનેટ કરતો હતો. આદિત્ય કુમાર ભારતમાં ભાઈ વતી લેતી-દેતીનું કામ કરતો હતો.
સાઇબર ક્રાઇમ અધિકારીએ કહ્યું હતું કે ‘શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે સાઇબર ફ્રૉડથી મેળવેલી રકમ અનેક બૅન્ક-અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને પછી એમાંથી રોકડ ઉઠાવી લેવામાં આવી હશે.’
પોલીસને શંકા છે કે બે ભાઈઓનું આ નેટવર્ક બિહારની બહાર પણ ફેલાયેલું હોઈ શકે છે, કેમ કે મોટા ભાગની બૅન્કોની પાસબુક બૅન્ગલોરની છે.