15 November, 2025 10:17 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
મોકામામાં તેમની મુક્તિની અપેક્ષા રાખતાં પોસ્ટરો લાગ્યાં છે
જન સુરાજ પાર્ટી (JSP)ના સમર્થકની હત્યાના કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે એવા JDUના બાહુબલી નેતા અનંત કુમાર સિંહનો મોકામા બેઠક પર વિજય થયો છે. અનંત સિંહ હાલમાં જેલમાં છે. અનંત સિંહને ૯૧,૪૧૬ મત મળ્યા હતા અને તેમણે ૬૩,૨૧૦ મત મેળવનારી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની ઉમેદવાર વીણા દેવીને ૨૮,૨૦૬ મતથી પરાજય આપ્યો હતો. ત્રીજા સ્થાને આવેલા જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રિયદર્શી પીયૂષને ૧૯,૩૬૫ મત મળ્યા હતા.
મોકામામાં તેમની મુક્તિની અપેક્ષા રાખતાં પોસ્ટરો લાગ્યાં છે, જેમાં લખ્યું છે, ‘જેલ કા ફાટક ટૂટેગા, હમારા શેર છૂટેગા.’
મોકામાની બેઠક પાંચ વખત જીતી ચૂકેલા અનંત સિંહે ૨૦૨૫માં ફરીથી આ બેઠક પરથી વિધાનસભામાં પ્રવેશ કર્યો છે. JDUમાંથી ચૂંટણી લડતા અનંત સિંહે ૨૦૧૦માં પોતાની બેઠક જાળવી રાખી હતી, પરંતુ પાંચ વર્ષ પછી પાર્ટી છોડી દીધી. ૨૦૧૫માં તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડીને JDUના ઉમેદવારને હરાવ્યો હતો. ૨૦૨૦ની ચૂંટણી પહેલા તેઓ RJDમાં ગયા હતા અને ફરીથી પોતાની બેઠક પર વિજય મેળવ્યો હતો.