19 December, 2025 10:06 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
સ્થાનિક લોકોને એક સીગલ પંખી મળ્યું હતું
કર્ણાટકના કારવાર બીચ પર બુધવારે કંઈક અંશે કુતૂહલ તો કંઈક આંશકાનો માહોલ બની ગયો હતો. INS કદમ્બના નેવલ બેઝ પર સ્થાનિક લોકોને એક સીગલ પંખી મળ્યું હતું જેની પીઠ પર અજીબ ઉપકરણ લગાવેલું હતું. આ ઉપકરણ મેડ ઇન ચાઇના છે એટલે પહેલાં તો શંકા થઈ કે આ કોઈ ચાઇનીઝ સ્પાય બર્ડ છે. જોકે વનવિભાગ અને તપાસ-એજન્સીઓએ તરત જ આ પંખીને પકડીને એના પર લાગેલું ડિવાઇસ શું છે એ સમજવાની કોશિશ કરી તો ખબર પડી કે આ તો પૂરી રીતે વૈજ્ઞાનિક સંશોધન માટે થતા પ્રયોગનો ભાગ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકર સાથેનું સીગલ ખૂબ થાકી ગયેલું હતું અને એને થોડી ઈજા પણ થઈ હતી. વનવિભાગના અધિકારીઓએ પંખી પર લાગેલા ઉપકરણમાં ક્યાંય કૅમેરા કે જાસૂસી યંત્રો નથી એની ખાતરી કરી હતી. જે ડિવાઇસ હતું એ GPS હતું. સામાન્ય રીતે એનો ઉપયોગ પ્રવાસી પંખીઓની માઇગ્રેશન પૅટર્નને સમજવા માટે થાય છે. અધિકારીઓએ શ્રીલંકાની વાઇલ્ડલાઇફ ઍન્ડ નેચર પ્રોટેક્શન સોસાયટીનો સંપર્ક કર્યો હતો, જેમાં ખબર પડી હતી કે આ સીગલ એમના લાંબા ગાળાના વૈજ્ઞાનિક રિસર્ચ પ્રોજેક્ટ માટે ટૅગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં વપરાયેલા GPS ટ્રૅકરનું નિર્માણ ચીનમાં થયું હતું.
કેમ ચિંતા થઈ?
કર્ણાટકનો આ બીચ INS કદમ્બ પાસે હોવાથી લોકો જરૂર કરતાં વધુ અટકળો લગાવી બેઠા હતા. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રિસર્ચ માટે વપરાયેલું પંખી છે. આ પંખી ૧૦,૦૦૦ કિલોમીટરથી લાંબું અંતર કાપી ચૂક્યું છે અને આર્કટિક ક્ષેત્રોમાં અનેક દેશો થઈને અહીં પહોંચ્યું છે. GPS યુનિટને સુરક્ષિત રીતે દૂર કરીને હવે સીગલ પંખીને વનવિભાગની નિગરાનીમાં રાખવામાં આવ્યું છે.