10 April, 2025 07:01 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ઝીશાન અખ્તર
ગઈ કાલે પંજાબના જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર બ્લાસ્ટ કરવાના મામલામાં પંજાબની પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો શૂટર ઝીશાન અખ્તર પણ છે, જેણે મુંબઈમાં બાંદરા-ઈસ્ટના ત્રણ વખતના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં ઝીશાન અખ્તર અને શુભમ લોણકર લાંબા સમયથી ફરાર હતા. જાલંધર પોલીસ પાસેથી મુંબઈ પોલીસ ઝીશાન અખ્તરની કસ્ટડી મેળવશે.
ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરની રાતે બાંદરા-ઈસ્ટમાં બાબા સિદ્દીકીની ફાયરિંગ કરીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના આ મામલામાં પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું હતું કે લૉરેન્સ બિશ્નોઈના કહેવાથી ઝીશાન અખ્તરે હત્યાનો પ્લાન બનાવીને શૂટરોને મુંબઈ મોકલ્યા હતા. પંદરથી વધુ આરોપીઓ આ મામલામાં પોલીસને હાથ લાગ્યા હતા, પરંતુ ઝીશાન અખ્તર અને શુભમ લોણકર ભાગતા ફરતા હતા.