BJPના નેતા સંગીત સિંહ સોમને બંગલાદેશથી ધમકી, આખા પરિવારને બૉમ્બથી ઉડાવી દઈશું

06 January, 2026 04:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા અને મેરઠના સરધના મતવિસ્તારના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગીત સિંહ સોમને બંગલાદેશથી ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

સંગીત સિંહ સોમ

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાયરબ્રૅન્ડ નેતા અને મેરઠના સરધના મતવિસ્તારના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગીત સિંહ સોમને બંગલાદેશથી ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે ધમકી મળવા છતાં સંગીત સિંહ સોમે જણાવ્યું છે કે તેઓ સનાતનીઓના અધિકારોની હિમાયત કરવાનું ચાલુ રાખશે અને આ ધમકીઓથી ડરતા નથી.

સંગીત સિંહ સોમના અંગત સચિવ ચંદ્રશેખર સિંહના જણાવ્યા અનુસાર સોમવારે સવારે આઠ વાગ્યે તેમના મોબાઇલ પર અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ધમકીભર્યા સંદેશ અને વિડિયોકૉલ આવ્યા હતા. ફોન કરનારાઓએ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને તેમના પરિવારને બૉમ્બથી ઉડાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને કેટલીક મોટી ન્યુઝ-ચૅનલોને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આનાથી તેમના સમર્થકો અને સંબંધીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

ચંદ્રશેખર સિંહે સરધાના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કેસ દાખલ કર્યો હતો. આ કેસની માહિતી મળતાં જ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તેમણે બધા શંકાસ્પદ નંબરો પોલીસને સોંપી દીધા છે. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ દિનેશ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ‘પ્રાથમિક પોલીસ-તપાસમાં જાણવા મળ્યું છે કે ધમકી આપનારા નંબરો બંગલાદેશના છે. સાઇબર સેલની મદદથી પોલીસે ગુનેગારોને ઓળખવા અને તેમના હેતુઓ સ્પષ્ટ કરવા માટે કૉલ અને સંદેશાઓની તકનીકી તપાસ શરૂ કરી છે.’

યાદ રહે કે ૩૧ ડિસેમ્બરે સંગીત સિંહ સોમે IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમમાં બંગલાદેશી ખેલાડીની ખરીદીના વિરોધમાં નિવેદન આપ્યું હતું અને શાહરુખ ખાનની ટીકા કરી હતી, જેનાથી વિવાદ થયો હતો. ત્યાર બાદ ક્રિકેટ બોર્ડે આ બંગલાદેશી ખેલાડીને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. શંકા છે કે ધમકીઓ આ કારણે આપવામાં આવી હોઈ શકે છે.

uttar pradesh bharatiya janata party bangladesh political news national news news