02 November, 2026 12:08 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિપક્ષના વોટ બચાઓ, દેશ બચાઓ નારા સામે BJPનો નારો લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ
રામલીલા મેદાનમાં ૧૯ વિપક્ષી નેતાઓ એકજૂટ થયા: રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બૅનરજી અને અખિલેશ યાદવે ભાષણબાજી કરીને મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની કરી માગણી
વોટચોરીના વિરોધમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ કાલે એક મેગા રૅલીનું આયોજન કર્યું હતું. રામલીલા મેદાન પરથી ‘વોટ બચાઓ, દેશ બચાઓ’ રૅલીને સંબોધન કરતાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ગેરકાયદે હતી.
મિન્ટો રોડથી નીકળેલી આ રૅલીમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સહિત ૧૯ વિપક્ષી પક્ષોના નેતાઓ, કાર્યકરો, વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંગઠનોના લોકોએ ભાગ લીધો હતો. આ રૅલી દ્વારા વિપક્ષે ચૂંટણીમાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવીને મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો હતો અને મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. વિપક્ષના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગેના ઘરેથી ખુલ્લી બસોમાં રામલીલા મેદાન પહોંચ્યા હતા.
ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં સ્ટેજ પર વિપક્ષના નેતાઓ એકસાથે.
જ્ઞાનેશ કુમાર રાજીનામું પર આપશે અને જેલ પણ જશે : રાહુલ ગાંધી
વોટચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ દેશમાં વર્ષોથી વોટચોરી થઈ રહી છે. મધ્ય પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મતચોરી થઈ છે. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) દ્વારા અને મતદારયાદીઓમાં નામ કાઢીને અથવા ઉમેરીને વોટચોરી કરવામાં આવી છે. ૨૦૨૪ની ચૂંટણી પછી ભારતના ૧૫ ટકા મતદારોનાં નામ મતદારયાદીમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં. આનો અર્થ એ થયો કે ૨૦૨૪ની ચૂંટણી ગેરકાયદે ચૂંટણી હતી, એ ચોરીની ચૂંટણી હતી.
નરેન્દ્ર મોદી ક્યાંય નહીં જાય, કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
‘મોદી કહીં નહીં જાએગા’ના સંદર્ભમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘અમિત શાહ કહે છે કે નરેન્દ્ર મોદી ક્યાંય નહીં જાય. અમે એમ પણ કહીએ છીએ કે અમે તેમને ક્યાંય જવા દઈશું નહીં. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સામે, અમિત શાહ સામે, જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દેશ નફરતનો દેશ નથી. અમે કોઈને નફરત કરતા નથી. અમે અહિંસામાં માનનારા લોકો છીએ. પરંતુ અમિત શાહજી, નરેન્દ્ર મોદીજી, જ્ઞાનેશ કુમારજી; તમે દેશના બંધારણ પર હુમલો કર્યો છે, તમે દેશના આત્મા પર હુમલો કર્યો છે. આ અમને અસ્વીકાર્ય છે. અમારા માટે કોઈ દુશ્મન નથી. અમે જ્ઞાનેશ કુમારને નફરત કરતા નથી. અમારા માટે ભારતના દરેક નાગરિકનો અવાજ ધર્મ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ગમે તે હોય, અમે તેમની સામે હિંસાનો આશરો લઈશું નહીં, અમે નફરત ફેલાવીશું નહીં; પરંતુ અમે કોઈને પણ બંધારણનો નાશ કરવા દઈશું નહીં. અમારો ધર્મ કહે છે કે કોઈ દુશ્મન નથી. આપણે કોઈને નફરત ન કરવી જોઈએ. આપણે પ્રેમથી કામ કરવું જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા છોડે તો જ લોકશાહી ટકી શકશે : ખડગે
કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશની સરકારોને ચોરીની સરકારો ગણાવીને કહ્યું હતું કે ‘જો નરેન્દ્ર મોદી સત્તા છોડે તો જ લોકશાહી ટકી શકશે. સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને ડરાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કૉન્ગ્રેસ અને ગઠબંધનના નેતાઓ આનાથી ડરવાના નથી.’
BJPએ વિપક્ષની સામે દિલ્હી, હરિયાણા, શિમલા અને જમ્મુ-કાશ્મીરમાં કાઢી પદયાત્રા: કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધીને નીકળ્યા, હરિયાણામાં BJPના અધ્યક્ષ નીતિન નબીને વિદેશી તાકાતના જોરે વિપક્ષ લોકતંત્રને હલાવવા માગતો હોવાનો મૂક્યો આરોપ
હરિયાણા
વિપક્ષોના ગઠબંધને વોટચોરીના વિરોધમાં ‘ચલો દિલ્હી’ કૂચ સાથે રામલીલા મેદાનમાં રૅલી કાઢી હતી ત્યારે એની સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કૉન્ગ્રેસના ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોના ઇતિહાસને કેન્દ્રમાં રાખીને કૂચ કરી હતી. વિપક્ષની મહારૅલીની સામે બીજી તરફ BJPએ કૉન્ગ્રેસને નિશાન બનાવવા માટે એક કાઉન્ટર-માર્ચનું આયોજન વેસ્ટ દિલ્હીમાં કર્યું હતું જેનો ઉદ્દેશ ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોના પીડિતોને યાદ કરવાનો અને કૉન્ગ્રેસને નિશાન બનાવવાનો હતો. BJPએ હરિનગર બસડેપોથી તિલકનગર મેટ્રો સ્ટેશન સુધી કૂચ કરીને કૉન્ગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે એણે પોતાના રાજકીય કાર્યક્રમનું આયોજન કરવા માટે ૧૯૮૪ની હિંસાની વર્ષગાંઠનો દિવસ પસંદ કર્યો છે.
BJPના અધ્યક્ષ નીતિન નબીને હરિયાણાના રોહતકમાં રૅલી કાઢીને કૉન્ગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું હતું કે ‘વોટચોરી એ કૉન્ગ્રેસની વિરાસત છે. રાહુલ ગાંધીને ૧૪૦ કરોડ જનતા પર વિશ્વાસ નથી, તેમને ૩ કરોડ ઘૂસણખોરો પર વિશ્વાસ છે. રાહુલ ગાંધીની મંશા શું છે? લોકતંત્ર અને સંવિધાનની વાતો કરનારા રાહુલ ગાંધીએ જ લોકતંત્રના લીરેલીરા ઉડાડ્યા છે. તેઓ વિદેશોમાં જઈને દેશના લોકતંત્રની ખિલ્લી ઉડાડે છે અને દેશમાં અરાજકતા ફેલાવે છે. વિદેશી તાકાતોના ઇશારે તેઓ દેશમાં લોકતંત્રને પડકાર આપવા માગે છે.’
BJPએ ‘લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ’ નારા સાથે ગઈ કાલે ઠેર-ઠેર પદયાત્રાઓ યોજી હતી અને હજી પાંચમી નવેમ્બર સુધી ભારતભરમાં આ જ નારા સાથે પદયાત્રાઓ કાઢવાની જાહેરાત કરી હતી.
ક્યાં છે ૧૦ લાખ લોકો? અમને બતાવો: BJPના નેતા સંબિત પાત્રાએ વિપક્ષની રૅલીને મહાફ્લૉપ ગણાવી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સંબિત પાત્રાએ ગઈ કાલે રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની રૅલીમાં ૧૦ લાખ લોકો એકઠા થવાના દાવા પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મેદાનની તસવીરો દર્શાવે છે કે ૨૮,૦૦૦ ખુરસીઓમાંથી પાંચથી ૭ હજાર ખુરશીઓ ખાલી હતી અને મેદાનના મોટા ભાગના હિસ્સામાં લોકો દેખાતા નહોતા.’
એક પ્રેસ-કૉન્ફરન્સમાં રામલીલા મેદાનની તસવીરો અને વિડિયો દર્શાવીને તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતાઓ રૅલીમાં ૧૦ લાખ લોકો આવશે એવા દાવા કરતા હતા, પણ તસવીરો એનાથી વિપરીત પરિસ્થિતિ દર્શાવી રહી છે. રામલીલા મેદાન ૧૦થી ૧૨ એકરમાં ફેલાયેલું છે અને મેદાનનો ૧૫ ટકા હિસ્સો સ્ટેજ અને સુરક્ષા ઘેરો બનાવવામાં વપરાયો હતો. એના પછી પણ ૪૦ ટકા હિસ્સો ખાલી દેખાતો હતો. અમને તમે ૧૦ લાખ લોકો બતાવો જેનો તમે દાવો કરતા હતા.’
કૉન્ગ્રેસ પર ટ્રિક ફોટોગ્રાફીનો આરોપ લગાવતાં સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ ટ્રિક ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને રૅલીમાં મોટી ભીડ આવી એવું બતાવવાની કોશિશ કરી રહી છે. તસવીરોમાં આવું બતાવી શકાય છે પણ મેદાન પર અલગ તાસીર હતી. ખુરશીઓ ખાલી હતી. ટ્રિક ફોટોગ્રાફીના માધ્યમથી કોઈ નેતા બની જતો નથી.’
મેં તો રૅલીમાં આવનારા લોકોને ખરીદી કરીને જવાની અપીલ કરેલી, પણ BJPએ દિલ્હીમાં બળજબરીથી દુકાનો બંધ કરાવી : રાહુલ ગાંધી
મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનની રૅલીનું નેતૃત્વ કરતી વખતે રાહુલ ગાંધીએ એક ટૂંકો વિડિયો અપલોડ કરીને આરોપ લગાવ્યો હતો કે BJPએ તમામ દુકાનો બળજબરીથી બંધ કરાવી દીધી છે, જેના કારણે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો કંઈ પણ ખરીદી શક્યા નહીં.
શનિવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે ‘રૅલી માટે લાખો લોકો રાષ્ટ્રીય રાજધાની આવશે એવી અપેક્ષા છે. તેમણે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવાની સાથે ખરીદી પણ કરવી જોઈએ જેનાથી વેપારીઓને ફાયદો થશે.’
વેપારીઓને થયેલા નુકસાન પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘BJPએ વેપારીઓનાં આર્થિક હિતોને નુકસાન પહોંચાડ્યું છે. અમે દરેકને કહ્યું હતું કે જ્યારે તમે અહીં કૂચ અને વિશાળ રૅલી માટે આવો ત્યારે પાછા જતી વખતે થોડી ખરીદી પણ કરજો. જોકે અહીં કનૉટ પ્લેસ આવતી વખતે અમને જાણવા મળ્યું કે BJPએ બળજબરીથી દુકાનો બંધ કરાવી દીધી છે. તમારે જાણવું જોઈએ કે વેપારીઓને નુકસાન કોણ પહોંચાડી રહ્યું છે અને આ કેવી રીતે થઈ રહ્યું છે.’