13 May, 2025 07:03 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સંબિત પાત્રા (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં `તિરંગા યાત્રા` કાઢવા જઈ રહી છે. આ 10 દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસનો ઉદ્દેશ્ય તાજેતરમાં સફળ થયેલા ઑપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે.
આ ઝુંબેશ દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુગ જેવા વરિષ્ઠ ભાજપ નેતાઓને સોંપવામાં આવી છે.
ભાજપના તિરંગા યાત્રાનું નેતૃત્વ કરશે વરિષ્ઠ નેતાઓ
આ ઉપરાંત, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતે વિવિધ સ્થળોના યાત્રાનું નેતૃત્વ કરશે. ભાજપે ઑપરેશન સિંદૂરને રાજકીય ઇચ્છાશક્તિનો વિજય ગણાવ્યો છે અને કહ્યું છે કે ઑપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે આ તિરંગા યાત્રા 13 મે થી 23 મે દરમિયાન ભાજપના ઝંડા નીચે નહીં પણ તટસ્થ બેનર હેઠળ કાઢવામાં આવશે. આ યાત્રામાં સામાન્ય નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોની વ્યાપક ભાગીદારી રહેશે. તેમનો ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને ઑપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકોને પહોંચાડવાનો છે.
ઑપરેશન સિંદૂર પર ભાજપની પ્રેસ કોન્ફરન્સ
રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ સોમવારે પાર્ટી વતી એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે અને સેનાની હિંમતથી આ ઑપરેશન સફળ બન્યું છે. તેમણે કહ્યું કે રાફેલ વિમાને ઑપરેશન સિંદૂરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારતના બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે.
`23 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ`
સંબિત પાત્રાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો અને અમે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતે કોઈ પણ નાગરિકને નિશાન બનાવ્યો નથી. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે રાફેલ સાથે ગયેલા બધા પાઇલટ સુરક્ષિત ભારત પાછા ફર્યા છે. આ ઑપરેશન દરમિયાન, ભારતીય સેનાએ માત્ર 23 મિનિટમાં રાફેલ પર લગાવેલી મિસાઇલોનો ઉપયોગ કરીને 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. આનાથી સાબિત થયું કે પાકિસ્તાનનો કોઈ પણ ખૂણો અને કોઈ પણ આતંકવાદી ભારતીય સેનાની પહોંચથી દૂર નથી.
શનિવારે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઑપરેશન્સે ભારતીય ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઑપરેશન્સનો સંપર્ક કર્યો હતો. બંને પક્ષો સાંજે 5 વાગ્યાથી જમીન, સમુદ્ર અને હવામાં તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. મીશ્રીએ નોંધ્યું હતું કે યુદ્ધવિરામનો અમલ કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
જો કે, બંને દેશો જમીન, હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયાના કલાકો પછી, શ્રીનગરમાં બ્લેકઆઉટ દરમિયાન પાકિસ્તાને ડ્રૉન મોકલીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, ભારતના હવાઈ સંરક્ષણ દળે પાકિસ્તાની ડ્રોનને આકાશમાં જ અટકાવી દીધું હતું.