સલામ સિક્કિમની સરકારને: સ્તનપાન કરાવતી મધર્સ માટે જાહેરમાં બનાવ્યાં બ્રેસ્ટફીડિંગ પૉડ્સ

12 July, 2025 08:50 AM IST  |  Gangtok | Gujarati Mid-day Correspondent

રાજ્યના કુલ છ જિલ્લામાંથી પાંચ જિલ્લાનાં મોટાં બજારોમાં છ બ્રેસ્ટફિડિંગ પૉડ્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને બાકીના એકમાં સમાન સુવિધા સ્થાપિત કરવામાં આવશે

આ બ્રેસ્ટફીડિંગ પૉડ્સ બદલાતા સમયનું પ્રતીક છે

સિક્કિમ સરકારના પ્રયાસને કારણે સિક્કિમની મોટી સંખ્યામાં મહિલાઓ હવે ભીડભાડવાળાં જાહેર સ્થળોએ સ્વચ્છ અને સુરક્ષિત પ્રાઇવેટ જગ્યામાં આરામથી પોતાના બાળકને સ્તનપાન કરાવી શકતી હોવાથી રાહતનો શ્વાસ લઈ રહી છે.

આ બ્રેસ્ટફીડિંગ પૉડ્સ બદલાતા સમયનું પ્રતીક છે અને એને કારણે મહિલાઓને ઘણી રાહત થઈ છે. આ પહેલાંના સમયથી તદ્દન વિપરીત છે જ્યારે સ્તનપાન કરાવતી માતાઓએ તેમના બાળકને દૂધ પિવડાવવા માટે સાંકડી ગલીઓ અથવા જાહેર શૌચાલય જેવાં સ્થળોએ આશરો લેવો પડતો હતો. આ સુવિધાઓ મહિલાઓને સ્તનપાન કરાવવા માટે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે.

રાજ્યના કુલ છ જિલ્લામાંથી પાંચ જિલ્લાનાં મોટાં બજારોમાં છ બ્રેસ્ટફિડિંગ પૉડ્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને બાકીના એકમાં સમાન સુવિધા સ્થાપિત કરવામાં આવશે. આવાં પૉડ્સ ગૅન્ગટૉક, મંગન, નામચી, સોરેન્ગ, રંગપો અને પાક્યોંગ શહેરોમાં કાર્યરત છે.

કેવી રીતે આવ્યો વિચાર?

મંગન જિલ્લાના એક બજારમાં એક મહિલા તેના નવજાત બાળકને બૉટલબંધ દૂધ પીવડાવી રહી હતી. એ સમયે સરકારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ તેને પૂછ્યું કે શા માટે તે તેનું દૂધ પિવડાવવાને બદલે બૉટલબંધ દૂધ આપી રહી છે. એ સમયે મહિલાએ જવાબ આપ્યો કે જાહેરમાં બાળકોને સ્તનપાન કરાવવામાં મુશ્કેવી પડે છે અને એ અજીબ અને શરમજનક લાગે છે. આ વાતચીતથી સરકારી વિભાગે ૨૦૨૪માં આ સમસ્યાના ઉકેલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને આ પૉડ્સ બનાવવાનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો.

sikkim indian government national news news