04 July, 2025 01:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation - CBI)એ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry), રાષ્ટ્રીય તબીબી આયોગ (National Medical Commission - NMC), વચેટિયાઓ અને ખાનગી તબીબી કોલેજોના પ્રતિનિધિઓની ઊંડા જાળ સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સનસનાટીભર્યા કેસમાં (CBI Probe Bribery Scam) ભ્રષ્ટાચાર અને નિયમોની હેરાફેરીનો ખુલાસો થયો છે. સીબીઆઈએ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે ભ્રષ્ટાચાર અને તબીબી કોલેજોને સંચાલિત કરતા નિયમનકારી માળખામાં ગેરકાયદેસર હેરાફેરી સહિતના ગંભીર કૃત્યોમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. CBIએ ૩૪ લોકો સામે FIR નોંધી છે. આમાં આરોગ્ય મંત્રાલયના આઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળનો એક કર્મચારી અને NMC નિરીક્ષણ ટીમના પાંચ ડોકટરોનો સમાવેશ થાય છે.
આ કૌભાંડમાં ઘણા મોટા નામો પણ પ્રકાશમાં આવ્યા છે. જેમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (Tata Institute of Social Sciences)ના ચેરમેન ડી.પી. સિંહ, ગીતાંજલિ યુનિવર્સિટી (Geetanjali University)ના રજિસ્ટ્રાર મયુર રાવલ, રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (Rawatpura Institute of Medical Sciences)ના ચેરમેન રવિશંકર જી મહારાજ અને ઇન્ડેક્સ મેડિકલ કોલેજ (Index Medical College)ના ચેરમેન સુરેશ સિંહ ભદોરિયાનો સમાવેશ થાય છે. સીબીઆઈએ આ કેસમાં આઠ લોકોની ધરપકડ પણ કરી છે, જેમાં NMCના ત્રણ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. તેમના પર નયા રાયપુર (Naya Raipur)ની રાવતપુરા સંસ્થા (Rawatpura Institute)ને લાભ આપવા માટે ૫૫ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
સીબીઆઈ એફઆઈઆર મુજબ, આખું કૌભાંડ આરોગ્ય મંત્રાલયના આઠ અધિકારીઓની આસપાસ ફરે છે, જેમણે વચેટિયાઓ દ્વારા મેડિકલ કોલેજોને ખૂબ જ ગુપ્ત દસ્તાવેજો અને સંવેદનશીલ માહિતી પહોંચાડી હતી. બદલામાં, મોટી લાંચ લેવામાં આવી હતી.
સીબીઆઈ એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ સિન્ડિકેટના મૂળ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં છે, જ્યાં આઠ આરોપી અધિકારીઓએ મોટી લાંચના બદલામાં મધ્યસ્થીઓના નેટવર્ક દ્વારા મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓને અનધિકૃત ઍક્સેસ, ગેરકાયદેસર નકલ અને અત્યંત ગુપ્ત ફાઇલો અને સંવેદનશીલ માહિતીના પ્રસારને સરળ બનાવવા માટે એક અત્યાધુનિક યોજના ચલાવી હતી.
આ અધિકારીઓએ NMCની નિરીક્ષણ પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી. તેમણે કોલેજોને નિરીક્ષણ તારીખો અને નિરીક્ષકો વિશે અગાઉથી માહિતી પૂરી પાડી, જેનાથી કોલેજોને છેતરપિંડીનું કાવતરું ઘડવાની તક મળી.
એફઆઈઆરમાં આરોગ્ય મંત્રાલયના પૂનમ મીના, ધરમવીર, પીયૂષ માલ્યાન, અનૂપ જયસ્વાલ, રાહુલ શ્રીવાસ્તવ, દીપક, મનીષા અને ચંદન કુમારના નામ છે. આ લોકો ગુપ્ત ફાઇલો શોધતા હતા અને વરિષ્ઠ અધિકારીઓની ટિપ્પણીઓના ફોટા લેતા હતા અને વચેટિયાઓને મોકલતા હતા. આ માહિતીથી મેડિકલ કોલેજોને નિયમોને તોડીને પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી.
એફઆઇઆરમાં ઉલ્લેખ કર્યો છે કે, NMC ટીમો, મધ્યસ્થી અને મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ વચ્ચે લાખો રૂપિયાની લાંચની આપ-લે થઈ રહી છે, હવાલા દ્વારા લાંચ આપવામાં આવી રહી છે અને તેનો ઉપયોગ મંદિરના નિર્માણના નામે લાંચ સહિત અનેક હેતુઓ માટે થઈ રહ્યો છે.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.