23 May, 2025 11:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે દિવ્યાંગ કેન્દ્રીય કર્મચારીઓને ગુરુવારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ હાઉસિંગ અલૉટમેન્ટ સિસ્ટમમાં દિવ્યાંગોને ૪ ટકા ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે આ સંદર્ભમાં આદેશો જાહેર કર્યા છે. આ લોકોને જનરલ પૂલ હેઠળ પૂરા પાડવામાં આવેલા આવાસોમાં અનામત આપવામાં આવી છે. આનાથી દિવ્યાંગ કર્મચારીઓને ફક્ત સુવિધા નહીં પરંતુ જાહેર સેવાઓમાં સમાનતા, સન્માન અને સુલભતા પણ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા યુનિક ડિસેબિલિટી આઇડી (UDID) તેમની દિવ્યાંગતાને પ્રમાણિત કરવા માટે માન્ય પ્રમાણપત્ર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ ક્વોટા હેઠળ રહેઠાણ મેળવવા માગતા કર્મચારીઓએ દર મહિને ઈ-સંપદા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. આ ફાળવણી દર મહિને ઑટોમેટેડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.