21 February, 2026 09:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે ‘સુપ્રીમ કોર્ટ’ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને હિન્દીમાં ‘સર્વોચ્ય ન્યાયાલય’ કરવાની માગણી કરતી જાહેર હિતની અરજી પર દલીલો સાંભળી હતી. દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC)એ કહ્યું હતું કે આ પગલાથી સરકારી તિજોરી પર ૪૦થી ૪૫ લાખ રૂપિયાનો બોજ પડશે અને જો આ મુદ્દે અરજદારની માગણી સ્વીકારવામાં આવશે તો સ્ટેશનોનાં નામ બદલવાની માગણીઓનો દોર શરૂ થશે. દિલ્હીના રહેવાસી ઉમેશ શર્માએ જનહિતની અરજીમાં દલીલ કરી હતી કે સ્ટેશન ભારતની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા માટે વપરાતા હિન્દી શબ્દને પ્રતિબિંબિત કરે છે.
સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બનેલી ડિવિઝન બેન્ચે સ્ટેશનનું હિન્દી નામ સર્વોચ ન્યાયાલય કેમ ન રાખી શકાય એ અંગે સવાલ કર્યા હતા, કારણ કે અન્ય મેટ્રો સ્ટેશનો પહેલેથી જ યોગ્ય હિન્દી નામો ધરાવે છે. બેન્ચે દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન જેનું નામ અંગ્રેજી અને હિન્દી બન્નેમાં વિશ્વવિદ્યાલય છે અને સેન્ટ્રલ સેક્રેટરિયેટ સ્ટેશન જેનું હિન્દી નામ કેન્દ્રીય સચિવાલય છે સહિતનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.
આ મુદ્દે DMRCના વકીલોએ દલીલ કરી હતી કે મેટ્રો સ્ટેશનનું નામકરણ એક નીતિગત નિર્ણય છે અને આ ફેરફાર કરવાથી આશરે ૪૦-૪૫ લાખ રૂપિયાનો ખર્ચ થશે. જોકે હાઈ કોર્ટે કાનૂની જવાબદારીઓને ટાળવાના આધાર તરીકે નાણાકીય દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે આખરે DMRCને આ મામલે વિગતવાર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આગામી સુનાવણી ૨૪ એપ્રિલે મુકરર કરી હતી.